અમરેલી જિલ્લાના પીઢ કોંગ્રેસ આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઈ કેશવભાઈ ઠુંમરના દુઃખદ અવસાનથી બાબરા પંથક સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનથી જાહેરજીવન, રાજકીય ક્ષેત્ર તથા કોંગ્રેસ પરિવારમાં મોટી ખોટ પડી છે. વિરજીભાઈ ઠુંમરે બાબરા વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી. વર્ષ ૧૯૯૦ અને ૧૯૯૫માં બાબરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવી સાંસદ બન્યા હતા. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન તેમણે લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખેડૂતો, સહકારી ક્ષેત્ર અને સ્થાનિક પ્રશ્નો માટે સક્રિય રહેલા વિરજીભાઈ ઠુંમરે જાહેરજીવનમાં આગવી છાપ છોડી હતી. તેમના અવસાનથી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી છે. બાબરા પંથકના લોકો તેમની સેવાઓને હંમેશાં યાદ રાખશે. તેમના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.