બાબરા તાલુકાના ચરખા ગામે જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકૂલ ખાતે ૭૨મા વન્ય પ્રાણી સપ્તાહ-મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન વિષય પર ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરાયા હતા. વાઈલ્ડ લાઈફ આર્ટીસ્ટ સુરેશભાઈ નાકરાણીના ચિત્ર પ્રદર્શનનો વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અધ્યક્ષ એસીએફ રાજન જાદવ, આરએફઓ વાળા, ગીર ફાઉન્ડેશનના પાંભર તેમજ શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ માનવ અને વન્યજીવ સહ-અસ્તિત્વ જાળવવા તથા ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાઓ થકી જનજાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. સંજયભાઈ વસાણીના આયોજન અને ઉદયભાઈ દેસાઈના સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ બદલ ટ્રસ્ટી ભરતભાઈ રાદડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.