સાવરકુંડલાના વિજપડી ગામે હાડીડા રોડ પર અચાનક ઢોર નીકળતાં એસ.ટી. બસના ચાલકે બ્રેક મારતાં બસ સાઇડમાં ઊતરી ગઈ હતી. જેમાં પાંચથી છ પેસેન્જરને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે મેહુલભાઈ રામજીભાઈ લાધવા (ઉં.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, મહુવા ડેપોની મહુવા – જામનગર રૂટ વાળી એસ.ટી. બસ જામનગરથી પરત મહુવા મુકામે પેસેન્જરોને બેસાડીને આવી રહી હતી. તે દરમિયાન તા. ૦૬/૧૦/૨૦૨૬ના રાત્રિના અગિયારેક વાગ્યાના સમયે રસ્તામાં વિજપડી ગામેથી એકાદ કિ.મી. દૂર હાડીડા જતા રસ્તા પર અચાનક રખડતું ઢોર નીકળતાં બસ પર કાબૂ મેળવવા સારું બસના ડ્રાઇવરે બ્રેક મારતાં બસ રોડની સાઇડમાં ઊતરી ગઈ હતી. જેના લીધે બસમાં બેસેલા કુલ ૨૧ પેસેન્જરોમાંથી પાંચ-છ પેસેન્જરોને સામાન્ય ઇજા થઈ હતી અને બસમાં આશરે રૂ. ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ જેટલું નુકસાન થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.