અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. માંગ વધતા લાકડાના ભાવમાં પણ વધારો થયો છે. અગાઉ ૨૦ કિલો લાકડાનો ભાવ આશરે રૂ.૧૦૦ હતો, જે હાલમાં વધીને રૂ.૧૫૦ થી ૧૬૦ સુધી પહોંચ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોની સાથે હવે શહેરી વિસ્તારોમાં પણ લોકો લાકડાની ખરીદી તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થવો, ગેસના ભાવમાં વધારો તેમજ ઘરગથ્થુ જરૂરિયાતો માટે વૈકલ્પિક ઈંધણની જરૂરિયાતને કારણે કેટલાક લોકો લાકડાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરિણામે બજારમાં લાકડાની માંગમાં વધારો થયો છે.સાવરકુંડલામાં છેલ્લા ૩૦ વર્ષથી લાકડાના વ્યવસાય સાથે જોડાયેલા તોફિકભાઈ કુરેશીના જણાવ્યા મુજબ, તેઓ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડાની ખરીદી કરી તેનું વેચાણ કરે છે. સાવરકુંડલામાં લોખંડની અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોવાથી ત્યાં પણ લાકડાનો ઉપયોગ થાય છે. ઉપરાંત સામાન્ય લોકો પણ લાકડાની ખરીદી કરતા થયા છે.વેપારીના જણાવ્યા મુજબ, છ મહિના પહેલા ૨૦ કિલો લાકડાનો ભાવ રૂ.૧૦૦ ની આસપાસ હતો, જ્યારે હાલમાં માલની અછત અને માંગ વધતા ભાવ રૂ.૧૫૦થી ૧૬૦ સુધી પહોંચ્યો છે. આમ છ મહિનામાં ભાવમાં અંદાજે ૫૦થી ૬૦ ટકાનો વધારો થયો છે. વધેલા ભાવથી લાકડાનો ઉપયોગ કરતા ગ્રાહકોના ઘરખર્ચ પર પણ અસર પડી રહી છે.




































