ઉત્તર પ્રદેશમાં ૧૦ રાજ્યસભા બેઠકો માટે આઠ ભાજપ અને બે સમાજવાદી પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન બે સ્વતંત્ર ઉમેદવારોના નામાંકન પત્રો અસ્વીકાર કરવામાં આવ્યા હતા, અને પાછા ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં કોઈ પાછું ખેંચાયું ન હતું, જેના કારણે ૧૦ બેઠકો માટે બરાબર ૧૦ માન્ય ઉમેદવારો બાકી રહ્યા. આનાથી ૧૬ ઓક્ટોબરે સુનિશ્ચિત મતદાનની જરૂરિયાત દૂર થઈ ગઈ.ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં રાજ્યમંત્રી ધર્મપાલ સિંહ, પાર્ટીના ઓબીસી મોરચાના વડા પ્રકાશ પાલ, શ્રુતિ ગંગવાર, વિદ્યાસાગર સોનકર, પ્રિયંકા સિંહ રાવત, રાધાકાંત ઓઝા, ગોપી કૃષ્ણ પાંડે અને રામ પ્રતાપ સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ધનરાજ પરિમલ નથવાણી ચૂંટાયા હતા.
આ બેઠકો પર વર્તમાન સભ્યોનો કાર્યકાળ ૨૫ નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. ખાલી પડેલી ૧૦ બેઠકોમાંથી, આઠ ભાજપ પાસે, એક સમાજવાદી પાર્ટી પાસે અને એક બસપા પાસે હતી. વિધાનસભાની વર્તમાન સંખ્યાબળ મુજબ, ભાજપ ગઠબંધન પાસે આઠ બેઠકો છે અને સપા પાસે બે બેઠકો છે. રાજ્યસભામાં બસપાનું પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું છે. રિટ‹નગ ઓફિસરે ઔપચારિક રીતે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી છે.
નવા ચૂંટાયેલા રાજ્યસભા સભ્યોને યુપી વિધાનસભામાં તેમના ચૂંટણી પ્રમાણપત્રો મળ્યા છે. નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ પ્રકાશ પાલે કહ્યું, “હું છેલ્લા ૩૬ વર્ષથી પાર્ટીની વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યો છું. હવે હું રાજ્ય અને દેશના લોકોની સમસ્યાઓ ગૃહમાં ઉઠાવવાનું કામ કરીશ. આજે ભાજપે ૧૦ માંથી ૮ બેઠકો જીતી છે અને પરિણામોનો આ ટ્રેન્ડ વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે. ભાજપ ૮૦% બેઠકો જીતશે અને ઈન્ડિયા ગઠબંધન ૨૦% જીતશે.”