અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માત્ર કરોડપતિઓના ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી મેળવીને લાખો રૂપિયાની ચોરી કરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડીને ૩૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા કાપડના એક વેપારીના ઘરે ગત ૨૯મી ઓગસ્ટે કમલેશ નામનો નોકર ઘરમાં કોઈ ન હોવાની તકનો લાભ ઉઠાવીને તિજારીમાંથી સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. જેની તપાસ કરતા આ શખસ અગાઉ સુરતમાં ૫૦ લાખ રૂપિયાથી વધુની ૭ જેટલી મોટી ચોરીઓમાં સંડોવાયેલો અને પોલીસથી બચવા છેક નેપાળ બોર્ડર સુધી ભાગી ગયેલો કુખ્યાત જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ જૈન હોવાનું ખૂલ્યું છે.
મીઠી અને નમ્ર વાતોથી શેઠિયાઓનો વિશ્વાસ જીતીને નોકરી મળ્યાના ગણતરીના કલાકોમાં જ લાખોનો હાથફેરો કરવામાં માહેર આ ચોર પોતાની ચોરીના રૂપિયામાંથી અમુક હિસ્સો મંદિરમાં દાન આપતો હોવાનું અને અગાઉ વર્ષ ૨૦૧૯માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
૨૯મી ઓગસ્ટે શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા એક વેપારીના ઘરે કામ કરતા ઘરઘાટીએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. એ દિવસે બપોરના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે કમલેશ નામનો આ નોકર બેડરૂમની તિજારીમાંથી દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કમલેશના નામે કામ કરતો આ શખસ અગાઉ પણ નોકર ચોરીના ગુનામાં પકડાયેલો રીઢો ગુનેગાર જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ જૈન છે. જેને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના જાધપુર જિલ્લાના ડેચુ ગામના વતની ૩૩ વર્ષીય આરોપી જયંતીલાલ ઉર્ફે કમલેશ ઉર્ફે રમેશ જૈનની ધરપકડ કરીને તેની પાસેથી ૩૩,૫૨,૫૬૩ રૂપિયાના સોનાના દાગીના, ૧,૪૩,૮૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ ૩૫,૦૬,૩૬૩ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીનો ગુનાઈત ઈતિહાસ રહ્યો છે. તે અગાઉ સુરત શહેરના ખટોદરા તથા ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ માટે શાહીબાગ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યાનુસાર, અગાઉ જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ માત્ર કરોડપતિઓના ઘરમાં જ ઘરઘાટી તરીકે નોકરી મેળવીને ચોરી કરતો હતો. તે ખૂબ જ નમ્ર ભાષાનો ઉપયોગ કરીને અને માલિકના વતનની ખોટી ઓળખ આપીને મોટા શેઠિયાઓનો વિશ્વાસ જીતી લેતો હતો અને નોકરી મળ્યાના ગણતરીના કલાકોમાં જ લાખોની ચોરી કરીને ફરાર થઈ જતો હતો. તેણે અલથાણ ખાતે કાપડના વેપારીના ઘરે નોકરી શરૂ કર્યાના માત્ર ૫ જ કલાકમાં ૪૦ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે વેસુના હેપ્પી એક્સેલેન્સિયા રહેતા પ્રોપર્ટી વ્યવસાયીના ઘરેથી ૫૬ લાખ રૂપિયા રોકડા ચોરીને ટ્રોલી બેગમાં ભરીને સાયકલ પર ભાગી ગયો હતો. આમ તેમે ૭ જેટલી મોટી ચોરીઓ કરી છે. જેમાં મોટાભાગની ૫૦ લાખ રૂપિયાથી વધુની રકમની હતી અને તે અગાઉ ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૦માં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.