ભરૂચની ૧૪મી સદીની જામા મસ્જીદના ઐતિહાસિક સ્વરૂપ અંગેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પાંચ અરજદારોએ દાવો કર્યો છે કે, ભરૂચમાં આવેલી આ ઐતિહાસિક ઇમારત મૂળ જૈન મંદિર છે, જેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા મસ્જીદ તરીકે નોંધવામાં આવી છે. અરજદારોએ આ સ્થળને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે ઓળખાવી તેને જૈન-હિન્દુ મંદિર જાહેર કરવાની માગ કરી છે. સાથે જ જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લીનાથની મૂર્તિના સંરક્ષણ, પૂજાની મંજૂરી અને ઐતિહાસિક ઇમારતને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે છજીં પાસેથી સમગ્ર મુદ્દે સૂચનાઓ મેળવવા અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી ૧૩ ઓક્ટોબરે હાથ ધરાશે.
અરજદારોના જણાવ્યા અનુસાર, ભરૂચની જામા મસ્જીદ તરીકે ઓળખાતી આ ઇમારતના સ્થાપત્યમાં જૈન મંદિરનાં લક્ષણો જોવા મળે છે. અરજદારોનો દાવો છે કે આ સ્થળનો સંબંધ અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર સાથે છે અને તેનો ઐતિહાસિક ઉલ્લેખ વિવિધ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. તેમના મતે, ઇમારતના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિની યોગ્ય તપાસ કર્યા વિના તેને મસ્જીદ તરીકે ઓળખવામાં આવી છે.
અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે વર્ષ ૧૯૦૯ના ગેઝેટમાં આ સ્થળને મસ્જીદ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ તેમના મતે આ નોંધ શરૂઆતથી જ ખોટી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે આટલા વર્ષો પછી આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે? તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે સ્થળની ઓળખ અંગેની તેમની ફરિયાદ નવી નથી, પરંતુ શરૂઆતથી જ ખોટી નોંધણી કરવામાં આવી હોવાનો તેમનો દાવો છે.
અરજદારોની સૌથી મહત્વની રજૂઆત એવી છે કે જૂન ૨૦૨૬માં આ ઇમારતના ભોંયરાના ભાગમાંથી જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લીનાથની મૂર્તિ મળી આવી હતી. અરજદારોએ આ અંગેનો વીડિયો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હોવાનું જણાવ્યું છે.
અરજદારોના વકીલ પ્રતિક ભાટિયાએ રજૂઆત કરી હતી કે, ભગવાન મલ્લીનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર છે. મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે તેના તાત્કાલિક સંરક્ષણની માગ કરી હતી. અરજદારોનો દાવો છે કે મૂર્તિ ઉપરાંત ઇમારતના કેટલાક સ્તંભોને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
અરજદારોએ એવી પણ રજૂઆત કરી હતી કે શુક્રવારે નમાજ માટે આવતા લોકોના પ્રવેશ દરમિયાન મૂર્તિ અને સ્થાપત્યને નુકસાન થવાની આશંકા છે. આ રજૂઆતો અરજદારોના દાવા પર આધારિત છે, જેની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
અરજદારોએ ભરૂચના પ્રાચીન ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું અને આ વિસ્તાર ઐતિહાસિક બંદર તરીકે ઓળખાતો હતો. અરજદારોના જણાવ્યા અનુસાર, જૈન સાહિત્ય સહિતના વિવિધ ઐતિહાસિક ગ્રંથોમાં આ વિસ્તારના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસના ઉલ્લેખો મળે છે.
અરજદારોએ દાવો કર્યો હતો કે શકુનિકા વિહારનું નિર્માણ રાજકુમારી સુદર્શના કુમારીએ રાજા વિજયબાહુના સમયમાં કરાવ્યું હતું. આ ઉપરાંત જૈન આચાર્ય જૈનપ્રભસૂરિ દ્વારા લખાયેલા ગ્રંથનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરના નવીનીકરણ અંગેની વિગતો હોવાનું અરજદારોનું કહેવું છે.અરજદારોએ જણાવ્યું હતું કે, તેમની પાસે આ ઐતિહાસિક દાવાઓને સમર્થન આપતા મૂળ ગ્રંથો ઉપલબ્ધ છે. આ તમામ સામગ્રીના આધારે ઇમારતના ઐતિહાસિક સ્વરૂપની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ રાહતો માગી છે. તેમાં છજીંના વડોદરા સર્કલમાં આ સ્થળની જૈન મંદિર તરીકેની ઓળખ અંગે યોગ્ય તપાસ કરવાની, તેને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે જાહેર કરવાની તથા જામી મસ્જીદ તરીકેની નોંધ રદ કરવાની માગનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અરજદારોએ મુસ્લીમ પક્ષને આ સ્થળે નમાજ અદા કરતાં રોકવા અને જૈન તથા હિન્દુ ધર્મના અનુયાયીઓને પૂજાની મંજૂરી આપવા માગ કરી છે. જોકે, આ તમામ માગણીઓ અરજદારોની રજૂઆતો છે અને તેના પર કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.અરજદારોએ એવી દલીલ પણ કરી હતી કે જો આ સ્થળ જૈન મંદિર હોય તો ત્યાં પૂજા કરવાનો અધિકાર ન આપવો એ તેમના મૂળભૂત અધિકારોના ભંગ સમાન બની શકે છે. કોર્ટ દ્વારા સત્તાવાળાઓનો સંપર્ક કર્યા વિના સીધા હાઈકોર્ટમાં આવવા અંગે સવાલ કરવામાં આવતાં અરજદારોએ જવાબ આપ્યો હતો કે મૂળભૂત અધિકારોના ભંગનો પ્રશ્ન હોય ત્યારે નાગરિક સીધા કોર્ટનો સંપર્ક કરી શકે છે.







































