અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી વિજય એસ્ટેટની ગજાનંદ સ્ટીલ ફેક્ટરીમાં કામ દરમિયાન થયેલા અકસ્માતમાં ૪૨ વર્ષીય મહિલા શ્રમિક સીમાદેવીનું મોત નીપજ્યું હતું. માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ખુલ્લી લિફ્ટની અડફેટે મહિલા ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ મામલે મૃતકના પતિની ફરિયાદના આધારે પોલીસે ફેક્ટરીના માલિક અને કારીગર સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સીમાદેવી છેલ્લાં ચાર વર્ષથી ફેક્ટરીના પેકિંગ વિભાગમાં કામ કરતાં હતાં. ગત ૨૫ સપ્ટેમ્બરે કારખાનામાં પાણી પહોંચાડનાર વ્યક્તિ આવ્યો હતો. તે સમયે ઉપરના માળે કામ કરતા કારીગર અંશુમનસિંગ રાજપુતે પાણીના જગ લેવા માટે માલસામાનની લિફ્ટ નીચે તરફ ચાલુ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે લિફ્ટ ચાલુ કરતાં પહેલાં નીચેની સ્થિતિ તપાસવામાં આવી નહોતી.
આ દરમિયાન વચ્ચેના માળે કામ કરી રહેલાં સીમાદેવી પાણીનો જગ નીચે આપવા માટે લિફ્ટના ખાંચા પાસે ગયાં હતાં. એ જ સમયે ઉપરથી નીચે આવી રહેલી લિફ્ટ તેમના ચહેરાના જમણા ભાગે જોરથી અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં સીમાદેવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
અકસ્માત બાદ ઓઢવ પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં ખુલ્લી લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા અને તેના સંચાલન અંગે બેદરકારીના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ફેક્ટરીના માલિક રણજીત મોદી અને લિફ્ટ ચલાવનાર કારીગર અંશુમનસિંગ રાજપુતની ભૂમિકા તપાસ હેઠળ આવી છે.
મૃતકના પતિ પ્રદીપકુમાર પાલની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ફેક્ટરીના માલિક રણજીત મોદી અને કારીગર અંશુમનસિંગ રાજપુત સામે બેદરકારીને કારણે મોત નીપજાવવાના આરોપસર ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.