વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બોરીયાદ ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર સહિત કુલ ૨૮,૬૨,૬૧૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ,એસએમસીને બાતમી મળી હતી કે ડભોઈના બૂટલેગર તરીકે ઓળખાતા ધવલ રાજુભાઈ જયસ્વાલ, તેનો ભાઈ જય રાજુભાઈ જયસ્વાલ અને પિતા રાજુભાઈ બાબુભાઈ જયસ્વાલ બહારથી વિદેશી દારૂ મંગાવી તેનું વેચાણ કરે છે. દારૂનો જથ્થો સંખેડા તરફથી ઈનોવા કારમાં ડભોઈ લાવવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
એસએમસીની ટીમે બોરીયાદ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાકે, ચાલકે કાર રોકવાને બદલે ગામ તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ઈનોવા કાર બોરીયાદ ગામમાં વણકરવાસ પાછળ આવેલા પટેલ ફળિયા પાસે કનુભાઈ રામદાસ પટેલના ખુલ્લા વાડામાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારનો ચાલક તેને લોક કરીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.એસએમસીએ કાર્યવાહી દરમિયાન દારૂની કુલ ૨,૭૦૧ બોટલ અને ટીન, જેની કિંમત ૧૩,૬૨,૬૧૨ હોવાનું જણાવાયું છે, તે જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત ઈનોવા કાર સહિત કુલ ૨૮,૬૨,૬૧૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે