કલોલના બોરીસણા ગામમાં પ્રેમસંબંધના વહેમમાં ૨૦ વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાના ભાઈનો મોબાઈલ ફોન ગામની એક સગીરા પાસેથી મળી આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકાને લઈને વિવાદ થતા બંને પક્ષો વચ્ચે મોડી રાત્રે બોલાચાલી થઈ હતી, જે બાદ નાનાભાઈનો ફોન તેની મા અને મોટાભાઈએ પરત લેવા જતા કથિત રીતે પ્રેમપ્રકરણમાં સામે સગીર દીકરીના મામા-મોસાળ પક્ષના એક મહિલા સહિત ૫ શખ્શોએ મળી મોટાભાઈનું ઢીમ ઢાળી દીધું છે. આ હત્યાકાંડમાં સામેલ આરોપીઓમાં એકની ઓળખ ભાજપના પૂર્વ જિલ્લા સભ્ય તરીકે થઈ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ૫ લોકો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પ્રેમ પ્રકરણમાં હત્યાકાંડ અને એમાં પણ ભાજપ નેતાના પુત્રનું નામ સામે આવતા ગાંધીનગરમાં હાહાકાર મચ્યો છે.
વિગતે વાત કરીએ તો, ગાંધીનગર કલોલના બોરીસણા ગામે રહેતા ઠાકોર પરિવારમાં નાના પુત્ર કરણનો મોબાઈલ ફોન ગામની એક સગીરા પાસેથી મળી આવ્યો હતો. આ ફોનને લઈને પ્રેમસંબંધનો વહેમ ઉઠતાં કરણીની માતા મિતલબેન અને તેમનો મોટો દીકરો ૨૦ વર્ષીય રાકેશ ઉર્ફે લાલો કરણનો ફોન પરત લેવા ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો વધુ વણસ્યો હતો.
ફરિયાદ મુજબ, કરણનો ફોન જે સગીરા પાસેથી મળી આવ્યો હતો, તેના મામા-મોસાળ પક્ષે તરફથી અમરતબેન સહિતના શખ્સોએ રાકેશને મોડી રાત્રે બહાર બોલાવ્યો હતો. ત્યાં અમરતબેનના પુત્ર ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક પણ હાજર હતા. આ દરમિયાન રાકેશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, જીતુ, કિશન અને જયમીને રાકેશને પકડી રાખ્યો હતો, જ્યારે ભાવેશે તેના પર છરીથી હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
સમગ્ર બનાવ અંગે કલોલના ડીવાયએસપી આર.એમ. સરોદે જણાવ્યું કે, રાકેશની હત્યા કેસમાં માતા મિતલબેનની ફરિયાદને આધારે પોલીસે અમરતબેન બાલાજી ઠાકોર, ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં ભાજપના પૂર્વ જિલ્લા સભ્યના પુત્રનો સમાવેશ થતો હોવાની ચર્ચા પણ સામે આવી છે. જે વિગતોને આધારે હાલ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી આગામી સમયમાં આ મમાલે ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે.










































