ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આજે ધોળા દિવસે બનેલી ડબલ મર્ડરની હૃદય કંપાવનારી ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ સભ્યો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં માતા અને પુત્રીના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ભરૂચ પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વ્હોરવાડ વિસ્તારમાં જૈનુલભાઈ જનોરવાલા તેમના વેવાઈ અબ્દુલ હુસેન અને વેવાણ સેહેનાઝબેનને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. આ દરમિયાન અચાનક તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડેલા હુમલાખોરોએ આડેધડ ચપ્પુના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં જૈનુલભાઈ અને સેહેનાઝબેન લોહીલુહાણ થઈ ગયા હતા.
બંનેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન સેહેનાઝબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે જૈનુલભાઈની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાની ઘટના બાદ વ્હોરવાડ ખાતે હાજર પરિવારજનોએ કોઠી રોડ વિસ્તારમાં રહેતી સેહેનાઝબેનની પુત્રી અલીફિયા જે ભરૂચના જાણીતા તબીબ ડો. યુસુફ જનોરવાલાના પત્ની હતી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
અલીફિયાએ લાંબા સમય સુધી ફોન ન ઉપાડતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અલીફિયાની લાશ પણ તેના ઘરમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ બંને સ્થળોએ આયોજનબદ્ધ રીતે હુમલો કરીને માતા અને પુત્રી બંનેને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ધોળા દિવસે બનેલી આ ભયાનક ઘટનાના પગલે ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક બંને ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પુરાવા એકત્રિત કર્યા છે. પ્રાથમિક તપાસમાં બંને હુમલાની ઘટનાઓ પાછળ જૈનુલભાઈ જનોરવાલા પર શંકાની સોય તકાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જાકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ કે કૌટુંબિક વિવાદ શું હતો તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હત્યારાઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા તજવીજ હાથ ધરી છે.