અમરેલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાયદાના સકંજામાંથી ભાગતા ફરતા ત્રણ રીઢા આરોપીઓને ઝડપી લીધા છે. અમરેલી રૂરલ પોલીસે સુરતના અમરોલી આવાસ ખાતેથી મહેશ ઉર્ફે મયલો પ્રેમજીભાઈ જાદવને પકડી પાડ્‌યો છે. આ આરોપી પોક્સો કોર્ટના વર્ષ ૨૦૧૯ના કેસમાં છેલ્લા ૬ વર્ષથી નાસતો-ફરતો હતો. બીજામાં, એલ.સી.બી. ટીમે રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી જસમતભાઈ ધીરૂભાઈ સોલંકીને દબોચી લીધો છે, જે ધારી કોર્ટના ત્રણ અલગ-અલગ ક્રિમિનલ કેસોમાં છેલ્લા ૧૦ વર્ષથી ફરાર હતો.ત્રીજી કાર્યવાહીમાં, એલ.સી.બી.એ નાગેશ્રી પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા લાલશાહીના લિસ્ટેડ ગુનેગાર જતીનભાઈ નરશીભાઈ માવાણીને ઝડપી લીધો છે. આ આરોપી ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈ.ટી. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ફરાર હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.