જામનગરમાં વર્ષ ૨૦૧૪માં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા નોંધાયેલા લાંચના કેસમાં જામનગરની વિશેષ એસીબી અદાલતે મહત્વનો ચુકાદો આપતાં તત્કાલીન નાયબ મામલતદાર મનુભાઈ બળવંતભાઈ ઠાકરને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવી કુલ સાત વર્ષની સખત કેદ તથા રૂ. ૩૦ હજારના દંડની સજા ફટકારી છે.કેસની હકીકત મુજબ મનુભાઈ બળવંતભાઈ ઠાકર રાજ્ય સરકારના કર્મચારી તરીકે જામનગર કલેક્ટર કચેરીની જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. નવાગામ ઘેડના ફરિયાદી રવજીભાઈ વિરમભાઈ ગોહિલની સર્વે નં. ૨૩૯/૧ની પાંચ વિઘા જમીનની બિનખેતી કરવાની કાર્યવાહી કરી આપવા બદલ આરોપીએ પ્રતિ ચોરસ ફૂટ રૂ.૧૦ના હિસાબે અંદાજે ૪૦ હજાર ચોરસ ફૂટ જમીન માટે રૂ.૪ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક થતાં રૂ.૩.૬૦ લાખમાં સોદો નક્કી થયો હતો. તે પૈકી રૂ.૨ લાખ તા.૧૩-૦૧-૨૦૧૪ના રોજ મેળવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.૧.૬૦ લાખ તા.૧૮-૦૧ ના રોજ સ્વીકારવાના સમયે જામનગર કલેક્ટર કચેરી ખાતે એસીબીએ ગોઠવેલા ટ્રેપમાં આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
આ બનાવ અંગે જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭ તેમજ કલમ ૧૩(૧)(ડી) સહપઠિત કલમ ૧૩(૨) હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી જામનગરની વિશેષ એસીબી અદાલતના વિશેષ ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ સમક્ષ ચાલી હતી.સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે કલમ ૭ હેઠળ આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા રૂ.૧૫,૦૦૦ના દંડની સજા ફટકારી હતી. દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(ડી) સહપઠિત કલમ ૧૩(૨) હેઠળ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૧૫,૦૦૦ના દંડની સજા ફટકારવામાં આવી છે. આ દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.આમ, બંને કલમો હેઠળ અલગ-અલગ સજા ફટકારાતા આરોપીને કુલ સાત વર્ષની સખત કેદ તથા રૂ.૩૦ હજારના દંડની સજા થઈ છે.










































