વર્ષ ૨૦૧૨ના ચર્ચાસ્પદ ૧૫ લાખ રૂપિયાના કથિત લાંચ કેસમાં અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે તત્કાલીન પીઆઇ એમ.ડી. ઉપાધ્યાય સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે એસીબી દ્વારા રજૂ કરવામાં આવેલી ‘છ’ સમરી મંજૂર કરી દીધી છે. સ્પેશિયલ એસીબી જજ ભરત ભાસ્કરભાઈ જાદવે નોંધ્યું હતું કે આરોપીઓ સામે લાંચની માંગણીનો કોઈ સીધો કે પ્રથમદર્શનીય પુરાવો મળ્યો નથી. આ સાથે જ અદાલતે ફરિયાદી દ્વારા કરાયેલી વાંધા અરજીને ફગાવી દઈને ત્રણેય પોલીસકર્મીઓને મોટી રાહત આપી છે.આ ચર્ચાસ્પદ કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૧૨માં ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી અને ૧૫ લાખ રૂપિયાની લાંચ માંગવા અંગે શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી રેખાબેન કમાભાઈ રબારીએ આરોપ મુક્યો હતો કે પોલીસકર્મીઓએ તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી તેમના પતિને ખોટા હત્યા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે પોતાનો ફ્લેટ વેચીને ૧૧ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રકમની માંગણી ચાલુ રહેતા આખરે તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ પૂર્ણ થયા બાદ છઝ્રમ્ના તપાસ અધિકારી અને પીઆઇ ડી.એન. પટેલે અદાલતમાં તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે હેડ કોન્સ્ટેબલ શક્તાભાઈ જકસીભાઈ ભરવાડ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જાકે, તત્કાલીન પીઆઇ એમ.ડી. ઉપાધ્યાય, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ શનાભાઈ સોલંકી અને કોન્સ્ટેબલ સહદેવસિંહ ભુપતસિંહ ઝાલા વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે કોઈ પૂરતા પુરાવા કે ઓડિયો રેકો‹ડગ મળ્યા નહોતા.કેસના મહત્વના સાક્ષીઓના નિવેદનોમાં પણ આ ત્રણેય પોલીસકર્મીઓની સંડોવણીનો કોઈ ઉલ્લેખ મળ્યો ન હોવાથી એસીબીએ તેમની સામે ‘એ ’ સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજાનું અવલોકન કર્યા બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો સાબિત કરવા માટે લાંચની સ્પષ્ટ અને સીધી માંગણી હોવી જરૂરી છે. રજૂ કરાયેલા ફોન સંવાદો પરથી ફરિયાદી તરફથી પૈસા આપવાની ઓફર થઈ હોય તેવું જણાય છે, પરંતું પીઆઇ ઉપાધ્યાય સહિત ત્રણેય પોલીસકર્મીઓએ સીધી રીતે લાંચ માગી કે સ્વીકારી હોય તેવો કોઈ પુરાવો નથી. માત્ર હેડ કોન્સ્ટેબલ શક્તાભાઈ ભરવાડ દ્વારા રકમની માંગણી થયાના સંકેત મળતા હોવાથી, કોર્ટે અન્ય ત્રણ પોલીસકર્મીઓ સામેની ‘એ’ સમરી ગ્રાહ્ય રાખી ફરિયાદીની વાંધા અરજી ફગાવી દીધી હતી.