નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લાકડા કાપવાના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતો ટેમ્પો રસ્તામાં નીચેથી પસાર થતા જીવંત વીજતારના સંપર્કમાં આવતા ગંભીર દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પો જીવંત વીજતારને અડતા એકસાથે ૯ શ્રમિકોને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કરંટ ની અસર એટલી ગંભીર હતી કે ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાકીના ત્રણ શ્રમિકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક શ્રમિકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં પણ ગમગીન વાતાવરણ જાવા મળ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં રાજ્યના મંત્રી નરેશ પટેલ હોÂસ્પટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર હેઠળના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને મૃતક શ્રમિકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મંત્રી દ્વારા અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.પ્રાથમિક માહિતી અનુસાર, લાકડા કાપવા જતો ટેમ્પો રસ્તામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતો નીચો જીવંત વીજતાર વાહનને અડી ગયો હતો. જેના કારણે વાહનમાં રહેલા શ્રમિકો કરંટ ની ઝપેટમાં આવી ગયા હતા. હાલ સમગ્ર ઘટનાની તપાસ સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.








































