રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન ગુજરાતના ૧૨૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જાવા મળી રહી છે.સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો, જ્યાં ૧૦ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જારદાર બેટિંગ કરી હતી. નડિયાદ તાલુકામાં ૭.૫ ઈંચ અને વસો તાલુકામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ જિલ્લાના બોરસદ તથા ખંભાત તાલુકામાં ૬.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં માત્ર બે કલાકમાં ૪.૨૫ ઈંચ વરસાદ પડતાં સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી હતી. બીજી તરફ, તાપી જિલ્લાના દોલવણ તાલુકામાં પણ બે કલાકમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી.
અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને ભીંજવી દીધા છે. શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગર, ઠક્કરનગર, આશ્રમ રોડ, પાલડી, નહેરુનગર, વાસણા, વાડજ અને નારણપુરા સહિત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે બપોરના સમયે જ અંધારપટ છવાઈ ગયો છે અને શહેરનું વાતાવરણ એકાએક બદલાઈ ગયું છે.શહેરમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો છે.એનએસએમ-અર્બન પ્રોગ્રામ હેઠળ એનસીઇપી જીએફએસ ડેટાના આધારે તૈયાર કરાયેલા ડબ્લ્યુઆરએફ (૧.૫ કિમી) મોડલના પૂર્વાનુમાન મુજબ ૩૧ જુલાઈ સવારે ૮.૩૦ વાગ્યાથી ૧ ઓગસ્ટ સવારે ૮.૩૦ વાગ્યા સુધી પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનના અનેક વિસ્તારમાં લગભગ ૪થી ૪.૭૫ ઇંચ (૧૦૦થી ૧૨૦ મિમી) સુધી વરસાદ નોંધાઈ શકે છે.
મોડલ અનુસાર રામોલ-હાથીજણ, વ†ાલ, ઓઢવ, નિકોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કઠવાડા, ગોમતીપુર, ઇન્દ્રપુરી, ઈન્ડિયા કોલોની, બાપુનગર તેમજ વટવા, ઇસનપુર, ખોખરા, ભાઇપુરા-હાટકેશ્વર અને મણિનગર સહિતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે નરોડા, સરદારનગર, કુબેરનગર, સૈજપુર-બોઘા, અસારવા, સરસપુર-રખિયાલ, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર, બહેરામપુરા અને દાણીલીમડામાં લગભગ ૨.૭૫થી ૪ ઇંચ (૭૦થી ૧૦૦ મિમી) સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના નારણપુરા, પાલડી, વાસણા, વેજલપુર, ઘટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્્યતા છે, જ્યારે ગોતા, મક્તમપુરા, ઘુમા અને બોપલ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું રહેવાનો અંદાજ છે. એએમસીએ પૂર્વ અને દક્ષિણ-પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ડ્રેનેજ વિભાગ, પમ્પીંગ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમને એલર્ટ રાખ્યા છે. મોડલ મુજબ ૧ ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટી સમગ્ર શહેરમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્્યતા છે.
ગયા સપ્તાહે તૂટી પડેલા ભારે વરસાદથી શહેરની અનેક સોસાયટીનાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હવે ફરી ભારે વરસાદની આગાહીને પગલે ખાસ કરીને શેલા, ઘુમા અને બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓએ અગાઉથી જ સુરક્ષાત્મક પગલાં શરૂ કરી દીધાં છે.
શેલાની સૌથી વધુ અસરગ્રસ્ત સોસાયટીઓમાંની એક આકાશ રેસિડેન્સીના ચેરમેન આશિષ પટેલે જણાવ્યું છે કે, ગયા વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ઘૂસતાં મોટું નુકસાન થયું હતું. આ વખતે સોસાયટીના ઈલેક્ટ્રીકાલ કંટ્રોલ પેનલને ઉપરના માળે ખસેડી દેવામાં આવી છે. ઉપરાંત પ્રવેશદ્વાર પાસે રેતીની થેલીઓ ગોઠવવામાં આવી છે અને પાણી બહાર કાઢવા માટે ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે.મહેર હોમ્સ-૨ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી રજ્જન શર્માએ જણાવ્યું કે સોસાયટીમાં પણ ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફરી પાણી ભરાય તો તેનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે ઔડા સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. કેટલાક રહેવાસીઓએ પોતપોતાના પંપ પણ ખરીદ્યા છે, જ્યારે ઔડાએ જરૂર પડે ત્યારે મદદની ખાતરી આપી છે. તેમણે ઉમેર્યું કે શેલા ગામ નજીક બનાવાયેલી ડાયવર્ઝન ચેનલથી ડ્રેનેજની સ્થિતિમાં સુધારો થયો છે. સાવચેતીના ભાગરૂપે રહેવાસીઓને બેઝમેન્ટમાંથી વાહનો બહાર પાર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.









































