અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચોતરફ વિનાશના દૃશ્યો સર્જાયા છે. ધોળકામાં ખાબકેલા ૧૮ ઇંચ જેટલા કાળઝાળ વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી Âસ્થતિ નિર્માણ પામી છે, જેમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં ૬ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પૂરના પાણી અને ભેજને કારણે ૧૫૦થી વધુ મકાનો ધરાશાયી થઈ જતાં સેંકડો લોકો બેઘર બન્યા છે.ધોળકા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરના પાણી ઓસરતાની સાથે જ તારાજીની ભયાનક વાસ્તવિકતા સામે આવી છે. તાલુકાના ભેટાવાડા ગામમાં જ સૌથી વધુ અસર જાવા મળી છે, જ્યાં એકસાથે ૫૦થી વધુ કાચા-પાકા મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.આ ઉપરાંત બદલખા, કેલીયા વાસણા, નેસડા અને ઉતેળીયા જેવા અનેક ગામો પૂરની ઝપેટમાં આવી જતાં ખેતીના પાક અને પશુપાલનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘરોમાં પાણી ફરી વળતા લોકોની આખી ઘરવખરી અને અનાજનો જથ્થો તણાઈ ગયો છે, જ્યારે માર્ગોનું ધોવાણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
વરસાદી પાણી ઓસર્યા બાદ હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત ૬૫ ગામોમાં ઘરે-ઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રોગચાળો અટકાવવા માટે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન કરવા સાથે જ જંતુનાશક દવાઓ અને પાવડરનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે.
હાલ સમગ્ર પરિસ્થિતિ પર ડિઝાસ્ટર અને તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ઝાલા તથા તાલુકા હેલ્થ ઓફિસર રાકેશ મહેતા દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. વહીવટી અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને રાહત સામગ્રી, ખોરાક અને તબીબી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે. તંત્ર દ્વારા પૂરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે, જ્યારે આગામી દિવસોમાં નુકસાનીનો ચોક્કસ આંકડો મેળવવા માટે સર્વેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે.








































