લીલીયા શહેર નજીક આવેલું અતિ પૌરાણિક દાદાવાડી હનુમાનજી મંદિર ગત રાત્રે ચોરોના નિશાને ચડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દિવાલ ટપી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરનો દરવાજો ખોલી હનુમાનજીની પ્રતિમા પર ચઢાવેલા ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો અંદાજે ૭૫૦ ગ્રામનો ચાંદીનો મુગટ, ૭૫૦ ગ્રામનું ચાંદીનું છતર તેમજ ૨૦૦ ગ્રામના ચાંદીના નાના છતર મળી કુલ આશરે રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ ચોરી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સવારે ઘટનાની જાણ થતાં મંદિરનું સંચાલન કરતા જયંતીભાઈ બુહાએ લીલીયા પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં ડીવાયએસપી વિરલ ચંદન, પીઆઈ એમ.ડી. સાળુકે, સંજયભાઈ ઇટાલીયા, ગૌતમભાઈ ખુમાણ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારની તપાસ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી અમરેલી જિલ્લામાં તસ્કરો મંદિરોને નિશાન બનાવતા હોવાથી પોલીસ કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.
જિલ્લામાં મંદિરો અસલામત
અમરેલી જિલ્લામાં છેલ્લાં એક અઠવાડીયામાં ત્રણ સ્થળોએ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની નબળી કામગીરીને કારણે મંદિરો અસલામત બન્યા છે. પોલીસ પેટ્રોલીંગના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરોમાં તસ્કરો હાથ સાફ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે.







































