ખાંભા ગામે બાઇક અથડાવવાની નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેમની મોટરસાયકલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે દિલીપભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. ૩૫)એ હરદેવભાઈ યોગેશગીરી ગોસાઈ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેઓ પોતાની મોટરસાયકલ લઈને ખાંભા ગામે જનકભાઈની દુકાને માવો લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની મોટરસાયકલ નીચે પડી જતાં તે સામે ઉભેલી આરોપીની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં આરોપીની બાઇકનો આગળનો મોરો તૂટી ગયો હતો, જેથી આરોપીએ નુકસાની પેટે તાત્કાલિક ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી. તેમણે ‘અત્યારે જવા દો, કાલે આપી દઈશ’ તેમ કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ગાલ પર એક-બે ઝાપટ મારી દીધી હતી.અને ઝાપટ માર્યા બાદ આરોપીએ નજીકમાં પડેલો સિમેન્ટનો બ્લોક ઉપાડીને માથામાં મારી દેતાં તેમને ઈજા પહોંચી હતી. આટલેથી ન અટકતાં, આરોપીએ એ જ બ્લોક વડે તેમની મોટરસાયકલની ટાંકી તેમજ આગળના ભાગે ઘા મારીને આશરે ૧૫૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્‌યું હતું.