અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના માત્ર નવ વિદ્યાર્થી ટ્રેનરોએ બે મહિનાથી પણ ઓછા સમયમાં અમરેલી જિલ્લાની ૧૦૨ સરકારી શાળાઓના કુલ ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટેમ આધારિત આધુનિક ટેક્નોલોજીની સંપૂર્ણ પ્રાયોગિક તાલીમ આપી “વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓના માર્ગદર્શક” મોડેલને સફળ બનાવ્યું છે. આ ‘ટેકનોરથ’ જે એક મોબાઇલ ટેક્નોલોજી લેબ તરીકે ગામડે-ગામડે અને શાળાએ-શાળાએ પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ, સેન્સર આધારિત પ્રયોગો, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ્સ, થ્રીડી પેન, એ.આઈ આધારિત પ્રવૃત્તિઓ, દ્વારા હજારો વિદ્યાર્થીઓને જાતે કરીને શીખવાનો અનોખો અનુભવ કરાવ્યો હતો. આ વિદ્યાર્થી ટ્રેનરોમાં જશ સાવલિયા, પ્રજ દેસાઈ, જીલ રાખોલિયા, રુદ્ર પરવડિયા, કેયુર શકોરિયા, સત્યમ સુરાણી, વેદ હિરાણી, પ્રિન્સ ગોંડલિયા અને જીલ ગુમાસાણાનો સમાવેશ થાય છે.







































