ઉત્તરી ઇરાકના એર્બિલમાં યુએસ લશ્કરી મથક નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા. અહેવાલો સૂચવે છે કે આ હુમલાઓ યુએસ લશ્કર દ્વારા ઈરાન સામે સતત ૧૩ રાતના હુમલાઓના અંતની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી જ થયા છે. એસોસિએટેડ પ્રેસ (એપી) ના પત્રકારે સ્થાનિક સમય મુજબ સવારે ૯ઃ૩૦ વાગ્યે ઇરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દિશ પ્રદેશની રાજધાની ઇરબિલ શહેરમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સાંભળ્યા. લશ્કરી થાણાની નજીકના અથવા અંદરના વિસ્તારોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જાવા મળ્યા.
હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ માટેના સંઘર્ષને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની છે. ઈરાની રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુએસ બોમ્બમારા દરમિયાન ચાર લોકો માર્યા ગયા છે અને નવ ઘાયલ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ તાજેતરનો હુમલો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નાગરિક ખલાસીઓ અને વાણિજ્યક જહાજોને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો હતો. યુએસ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે વિશ્વના તેલ અને ગેસના પાંચમા ભાગનું પરિવહન કરે છે.
બહરીને બે વાર સાયરન વગાડ્યા, રહેવાસીઓને સંભવિત ગોળીબારથી સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી આપી. છેલ્લા અઠવાડિયામાં ગલ્ફ દેશો પણ વારંવાર હુમલાઓનો ભોગ બન્યા છે. ગઈકાલે, યમનના ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં બે સાઉદી તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ઈરાન યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા વધી ગઈ છે કારણ કે આંતરરાષ્ટ્રીય તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે.
ઈરાકી વડા પ્રધાન અલી અલ-ઝૈદી, જેમના યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઈરાન બંને સાથે ગાઢ સંબંધો છે, તેઓ ગુરુવારે શાંતિ અને વાતચીત માટે હાકલ કરવા માટે તેહરાન પહોંચ્યા હતા. તેમના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ઈરાન પર હુમલા માટે ઈરાકી ભૂમિનો ઉપયોગ ન થવા દેવાનું વચન આપ્યું હતું. અલ-ઝૈદીએ આ મહિનાની શરૂઆતમાં વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી.