લીલીયા તાલુકાના દાડમા ગામ નજીક મોટા કણકોટ રોડ પર ભારે વરસાદ બાદ કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતો એક બાઈક સવાર યુવક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. કોઝવે પર પાણીનું વહેણ વધુ હોવાથી યુવક બાઈક સાથે સંતુલન ગુમાવી બેઠો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસ હાજર સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનામાં યુવકનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાનો વીડિયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.






































