રાજુલા એસટી ડેપો ફરી એકવાર પોતાની કામગીરીને લઈને ચર્ચામાં આવ્યો છે. નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા આપવા અને આવકમાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ રાજુલા ડેપોની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં શરૂ કરાયેલી રાજુલા–ઓખા સાંજના ૬ વાગ્યાની બસ, જે મુસાફરોના સારા પ્રતિસાદને કારણે સતત હાઉસફુલ ચાલી રહી હતી, તે તારીખ ૨૨ અને ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ કોઈપણ પૂર્વ સૂચના કે જાહેર જાહેરાત વિના અચાનક રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બસ અચાનક રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. ઘણા મુસાફરોને અન્ય વાહનોનો સહારો લેવો પડ્‌યો, જ્યારે કેટલાકને પોતાની મુસાફરી મુલતવી રાખવી પડી હતી. મુસાફરોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે હજારો રૂપિયાની આવક આપતી બસને કોઈ સ્પષ્ટ કારણ વગર કેમ રદ કરવામાં આવી? આ નિર્ણય પાછળ જવાબદાર કોણ છે, ડેપો મેનેજમેન્ટ કે સ્થાનિક અધિકારીઓ, તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. રાજુલા એસટી ડેપો અગાઉ પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. ડેપોમાં ટોયલેટ અને બાથરૂમની અપૂરતી વ્યવસ્થા, ઇન્કવાયરી કાઉન્ટર પર યોગ્ય માહિતીનો અભાવ, ટેલિફોન સેવા બંધ રહેવી, ઠંડા પીવાના પાણીની સુવિધાનો અભાવ અને વારંવાર બસ રૂટમાં ફેરફાર અથવા રૂટ બંધ કરવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. ભાવનગર અને રાજકોટ જેવા મહત્વના રૂટ પણ અવારનવાર બંધ થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેક વખત રાજુલા–ગોંડલ, રાજુલા–પોરબંદર અને રાજુલા–જામજોધપુર જેવા મહત્વના રૂટ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક નિર્ણય લેવાયો નથી. ઉપરાંત રાજુલાથી સુરત અને મુંબઈ માટે સીધી એસટી બસ સેવા ઉપલબ્ધ નથી. ડેપોમાં ભુજ રૂટ સિવાય કોઈ સ્લીપર બસ કે વોલ્વો બસ પણ ઉપલબ્ધ નથી, જેના કારણે લાંબા અંતરના મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે વર્ષોથી સ્ટાફની અછતનું કારણ આગળ ધરીને અનેક સેવાઓમાં ઘટાડો કરવામાં આવે છે. બીજી તરફ એસટી ડેપોની બહારથી ખાનગી લક્ઝરી બસો અને વાહનો ખુલ્લેઆમ મુસાફરો ભરી જતા હોવા છતાં તેની સામે કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. શહેરના નાગરિકો અને મુસાફરોની માંગ છે કે વિભાગીય નિયામક સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરે, મુસાફરોને પડતી અગવડતાઓ દૂર કરે અને બંધ કરાયેલા મહત્વના રૂટો તેમજ જરૂરી બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવે.