અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે (ન્ઝ્રમ્) વણઉકેલાયેલા મિલકતસંબંધી ગુનાઓ ઉકેલવાની દિશામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ કેબલના ટુકડાઓ તથા બે મોટરસાઈકલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી ‘વેના એનર્જી પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના કન્ટેનરમાંથી કોપર પાવર કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તળાજા તાલુકાના સખવદર ગામના નિવાસી કેતન કિશોરભાઈ બાંભણિયા (ઉં.વ. ૨૨), રાકેશ હરજીભાઈ ડોડિયા (ઉં.વ. ૨૬) અને ભરત વેલજીભાઈ શિયાળ (ઉં.વ. ૩૪)ની અટકાયત કરી છે. તેમની પાસેથી રૂ. ૧,૨૦,૦૦૦ ની કિંમતના ૪૦ નંગ કોપર કેબલના ટુકડા તથા બે મોટરસાઈકલ મળી કુલ રૂ. ૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.