અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ખનિજ માફિયાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. મોડી રાત્રે મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદે રીતે રેતીચોરી કરતા ૫ જેટલા ડમ્પરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, મળેલી ચોક્કસ બાતમીના આધારે લીલીયા તાલુકાના પુતળિયા ગામ નજીક મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થાનિક નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને નીકળેલા ટ્રક ચાલકોએ તંત્રની ટીમને જાઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, પોલીસે અને મામલતદારની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને તમામ વાહનોને આંતરી લીધા હતા. આ દરોડા દરમિયાન ખનિજ માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પકડાવાના ડરથી કેટલાક ડમ્પર ચાલકો ગામની સાંકડી શેરીઓમાં ટ્રકો ઘુસાડી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.એક ડમ્પર રેતીથી ભરેલું, ૪ ડમ્પર રેતી ખાલી કરીને નાસી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટીમે તેમને ઝડપી લીધા. ગેરકાયદે ખનન અટકાવવાની મુખ્ય જવાબદારી જે ખાણ ખનીજ વિભાગની છે તે ઊંઘતું રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી આ સફળ કાર્યવાહી કરી છે. તંત્રની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી પંથકના ખનિજ માફિયાઓમાં ભારે ફાળ પડી છે.






































