સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામની પ્રાથમિક શાળામાં અંદાજિત રૂ.૬૮ લાખના ખર્ચે નવા વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, શાળા પરિવાર, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઊભું કરવા પ્રતિબદ્ધ છે. વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુરક્ષિત અને તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ વર્ગખંડો ઉપલબ્ધ થાય તે માટે સતત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવા વર્ગખંડોના નિર્માણથી ગાધકડા ગામના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે તેમજ શિક્ષણનું વાતાવરણ વધુ અનુકૂળ બનશે.