• વેજીટેબલ પકોડા:
– સામગ્રીઃ (૧) કાંદા ૨ નંગ (૨) લીલા મરચાં ૩-૪ નંગ (૩) જીરુ ૧ ચમચી (૪) અજમો અર્ધી ચમચી (૫) મીઠું સ્વાદ મુજબ (૬)આખા ધાણા ૧ ચમચી (૭) કોથમીર સમારેલી ૧ કપ (૮) ચણાનો લોટ અર્ધો કપ (૯) ચોખાનો લોટ પા કપ (૧૦) હળદર પાઉડર ૨ ચપટી (૧૧) કાશ્મીરી લાલ મરચું ૧ ચમચી (૧૨) ચિલી ફ્લેક્સ ૧ ચમચી (૧૩) મોટા બટાકા ૨ નંગ
– રીતઃ (૧) કાંદાને લાંબી જાડી સ્લાઈસમાં કાપી લો. (૨) તેમાં મરચાંને ગોળ કે લાંબા પાતળા કાપીને ઉમેરો. જીરું, અજમો, કોથમીર ઉમેરો, આખા ધાણાને હાથથી મસળીને નાખો. આ મિશ્રણને હાથથી ચોળી લો જેથી કાંદાની સ્લાઈસ છૂટી પડે. (૩) તેમાં ચણાનો તથા ચોખાનો લોટ ઉમેરો. (૪) પછી સૂકા મસાલા કાશ્મીરી લાલ મરચું, હળદર, મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી નાખો. (૫) પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એકબાજ રાખો. (૬) બટાકાને છોલી ધોઈ ઊભા પૈતામાં કાપી લો. તેમાંથી લાંબી ફ્રેન્ચફ્રાઈઝ જેવી થોડી જાડી ચિપ્સ કાપી લો. આ ચિપ્સને ૨-૩ પાણીથી ધોઈ એક સુતરાઉ કાપડ કે નેપકીન પર સૂકાવા દો. (૭) એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટાકાની એક-એક ચિપ્સ લઇ કાંદા અને ચણાના લોટના મિશ્રણમાં બોળી કાઢો. કાંદાનું મિશ્રણ ચિપ્સની ચારે બાજુ ચોંટેલું હોવું જોઈએ. (૮) તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી કાંદાના મિશ્રણવાળી બટાકાની ચિપ્સ તેલમાં તળવા હળવેથી નાખો. ગેસની ધીમી આંચે ૬-૭ મિનિટ થોડી થોડીવારે ચમચા કે ચિપિયાથી તેલમાંની દરેક ચિપ્સને એક-એક કરી ઉથલાવતા જાવ. આ રીતે ૬-૭ મિનિટમાં પકોડા તૈયાર થઈ જશે. (૯) ગરમાગરમ પકોડાને ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
• મસાલા રોટલો:
– સામગ્રીઃ (૧) બાજરીનો લોટ ૧ કપ (૨) લીલા લસણના પાન ૧ કપ (૩) લસણની કળી ૧૦-૧૨ નંગ (૪) લીલી મેથીના પાન અર્ધો કપ (૫) કોથમીર સમારેલી ૨ ચમચી (૬) ધાણાજીરુ પાઉડર ૧ ચમચી (૭) ઘી કે માખણ રોટલો શેકવા માટે (૮) મીઠું સ્વાદ મુજબ (૯) લીલાં તીખાં મરચાં ૩-૪ નંગ (ઓછું તીખું ખાતાં હો તો મરચાં મોળા લેવાં) (૧૦) હિંગ ૨ ચપટી (૧૧) આદુ-લસણ-મરચાંની પેસ્ટ ૨-૩ ચમચી
– રીતઃ (૧) લીલું લસણ ધોઈ તેના લીલાં પાન સમારીને એક વાટકીમાં મૂકી રાખો. (૨) લીલી મેથીના પાન ચૂંટી લઇ, ધોઈને પાણી નિતારીને સમારી લો. (૩) આદુ અને લીલા લસણની કળીઓને અધકચરી પીસી નાખો. (૩) એક તાસમાં બાજરીનો લોટ લો, તેમાં સમારેલાં લીલા લસણના પાન, કોથમીર, મેથીના પાન મેળવો. તેમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચાં-લસણની પેસ્ટ મેળવી લોટને હાથથી બરાબર મસળી નાખી જરા-જરા પાણી ઉમેરતાં લોટ બાંધો. લોટને સરખા પ્રમાણમાં મસળી તેમાંથી મોટી સાઈઝના લૂવા લઈ લોટમાં રગદોળી એક પાટલા સાઈઝનું જાડું પ્લાસ્ટિક લઈ તેના પર રોટલા થાપી લો. (૪) તવો સરખો ગરમ કરી ગેસની આંચ ધીમી રાખી બે હાથમાં રોટલો લઈ હળવેથી તવા પર મૂકો. (૫) થોડી વારે તવેથા વડે હળવેથી રોટલો ઉથલાવો. એકાદ મિનિટ બાદ નીચેથી શેકાવા આવ્યો હોય તો ઉથલાવીને ગેસની આંચ ધીમી કરી દો. (૬) રોટલા પર અને તેની ફરતે ઘી રેડી દો. (૭) તવેથાની ધાર વડે રોટલા પર થોડાં થોડાં છેદ કરી દો. જેથી માખણ અને મસાલો તેમાં સારી રીતે ઉતરી જાય. (૮) હવે રોટલા પર આદુ-મરચાં-લસણની પેસ્ટ, સમારેલું લીલું લસણ તથા ઘી કે માખણ ફેલાવી તેના પર ધાણાજીરુ પાઉડર છાંટી રોટલાને ક્રિસ્પી થવા દો. (૯) રોટલાને ૧ મિનિટ બાદ નીચે ઉતારી તેના ચાર ટુકડા કરી ઉપર કોથમીર ભભરાવી દહીં સાથે નાસ્તામાં આ રોટલો પીરસો.
• ખાખરા ચાટ:
– સામગ્રીઃ (૧) ખાખરા ૧૦-૧૨ નંગ (૨) ઝીણાં સમારેલા ટામેટાં અર્ધો કપ (૩) ટોમેટો પ્યુરી અર્ધો કપ (૪) ઝીણાં સમારેલા કાંદા અર્ધો કપ (૫) પનીર ક્યુબ્સ પા કપ (૬)બાફેલા મકાઈના દાણા પા કપ (૭) બાફેલા લીલા વટાણા પા કપ (૮) લાલ મરચું પાવડર પા ચમચી (૯) લસણ બારીક સમારેલું ૧ ચમચી (૧૦) ૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં (૧૧) ઓરેગેનો પાવડર અર્ધી ચમચી (૧૨) તેલ ૨ ચમચી
– ગાર્નિશ કરવા માટે ધોઈને ઝીણી સમારેલી કોથમીર ૨ ચમચી, ઝીણી સેવ અને દાડમના દાણા અર્ધો કપ
– રીતઃ (૧) ખાખરાના એકસરખા ચાર ટુકડા કરી લો. (૨) એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, લસણ, લીલાં મરચાંને ૧-૨ મિનિટ ગેસની મધ્યમ આંચે સાંતળો. (૩) પછી તેમાં ટોમેટો પલ્પ ઉમેરી ૨ મિનિટ સાંતળો. (૪) પછી તેમાં સમારેલાં ટામેટાં, બાફેલા લીલા વટાણા, મકાઈના દાણા, પનીરના ટુકડા અને મરચું પાવડર તથા ઓરેગેનો પાઉડર ભેળવી મધ્યમ આંચે ૨ મિનિટ થવા દો. દરમિયાન ચમચાથી મિશ્રણને હલાવતાં રહો. (૫) ૨-૩ મિનિટ બાદ ગેસ બંધ કરી મિશ્રણને ઉતારી લો. (૬) એક પ્લેટમાં ખાખરાના ટુકડા ગોઠવી ઉપર ચમચા વડે મિશ્રણ પાથરી ઉપર કોથમીર ભભરાવીને પછી પીરસો.
• મેથી-દૂધીના મુઠિયાં:
– સામગ્રીઃ (૧) દૂધી છીણેલી ૨ કપ (૨) લીલી મેથીના પાન ૧ કપ (૩) કોથમીર ૧ કપ (૪) તીખાં લીલાં મરચાં ૨ નંગ (૫) લસણની કળી ૪-૫ (૬) આદુનો ટુકડો ૧ ઈંચ (૭) હીંગ પા ચમચી (૮) મીઠું સ્વાદ મુજબ (૯) અજમો અર્ધી ચમચી (૧૦) લાલ મરચાં પાવડર ૧ ચમચી (૧૧) ધાણાજીરુ ૨ ચમચી (૧૨) ગરમ મસાલો સ્વાદાનુસાર (૧૩) હળદર પાવડર ૨ ચપટી (૧૪) વરિયાળી ૧ ચમચી (૧૫) સફેદ તલ ૨ ચમચી (૧૬) ૧ લીંબુનો રસ (૧૭) સાકર કે ગોળ ૧ ચમચી (કે જોઈતા પ્રમાણમાં) (૧૮) ઘઉંનો લોટ પા કપ (૧૯) ઘઉંનો કરકરો લોટ પા કપ (૨૦) ચણાનો લોટ પા કપ (૨૧) જુવાર કે બાજરીનો લોટ પા કપ
– વઘાર માટેઃ (૧) તેલ ૧ ચમચી (૨) સફેદ તલ ૧ ચમચી (૩) રાઈ અર્ધી ચમચી (૪) મીઠા લીમડાના પાન ૬-૭ (૫) કોથમીર (ધોઈને ઝીણી સમારેલી)
– રીતઃ (૧) દૂધીને છોલીને ધોઈ લીધા પછી છીણી લો. (૨) મેથીના પાન અને કોથમીરને અલગ અલગ ૨-૩ પાણીથી ધોઈ સમારી લો. (૩) એક બાઉલમાં છીણેલી દૂધી, મેથી, કોથમીર, તલ, બધાં સૂકા મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું તથા હાથથી મસળેલો થોડો અજમો નાખો. (૪) પછી તેમાં બધા સૂકા લોટ મેળવી દો અને પાણી નાખ્યા વગર કણક બાંધી લો. દૂધી, મેથી ને કોથમીરમાં રહેલાં પાણી વડે લોટ બંધાઈ જશે. (૫) મુઠિયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને મુઠિયા મૂકવાની ડીશ કે થાળીમાં તેલ ચોપડી દો. હાથમાં પણ તેલ ચોપડો. મુઠિયાના લોટમાંથી નાના લૂવા લઈ લંબગોળ રોલ વાળી તેલ ચોપડેલી થાળીમાં મુઠિયા ગોઠવો. મુઠિયા બાફવાના વાસણમાં પાણી ગરમ થાય એટલે તૈયાર થાળી તેમાં ગોઠવી દો. વાસણને ઢાંકીને ૨૦ મિનિટ સુધી મુઠિયાને બફાવા દો. (૬) ત્યારબાદ ગેસ બંધ કરી મુઠિયા ઉતારી લો. (૭) પાંચેક મિનિટ બાદ મુઠિયાને તેમાંથી કાઢી તેના કટકા કરો. (૮) એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. મીઠો લીમડો વઘારી ગેસ ધીમો કરી તલનો વઘાર હળવેથી કરી તરત જ કટ કરેલા મુઠિયા તેમાં ઉમેરો. જેથી ગરમ તેલમાંના તલ ઉડે નહીં. ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો. (૯) ગરમાગરમ મુઠિયા લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પીરસો.
sanjogpurti@gmail.com








































