બ્રહ્મ વૃક્ષ
તમારા બગીચામાં તમે ભલે કિંમતી ગુલાબ ઉગાડ્યા હોય, મોગરાની સુગંધથી વાતાવરણ મહેકાવ્યું હોય કે કુંડામાં સજાવેલા બોન્સાઈ સાથે ‘આર્ટિસ્ટ’ બનવાની કોશિશ કરી હોય, પણ જરા ઠંડી ઓસરી જાય અને ફાગણનો પવન ફૂંકાય, ત્યારે મારા બગીચામાં એક ‘ડોન’નું આગમન થાય છે. આ ડોન બીજું કોઈ નહીં, પણ આપણો વાનપ્રસ્થ અને રંગીન મિજાજ ધરાવતો ‘કેસુડો’ છે!
કેસુડાને ‘ડોન’ કહેવાનું કારણ એ છે કે તેને કોઈના પાણીની જરૂર નથી, કોઈના ખાતરની અપેક્ષા નથી. તે આવે છે ત્યારે આખા બગીચા પર પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે. જ્યારે બાકીના છોડ પર્ણ ખરતા જોઈને ડિપ્રેશનમાં જતા હોય, ત્યારે આ કેસુડો તો કેસરી વસ્ત્રો પહેરીને ‘મૈ હૂં ના!’ એવા ભાવ સાથે ટટ્ટાર ઊભો હોય છે. મેં તો વહાલથી એને ‘ખાખરો’ નામ આપ્યું છે, પણ એની તો અસલી ઓળખ ‘પલાશ’ છે. તમે જોયું હશે કે જ્યારે આ ભાઈને મૂડ આવે ત્યારે આખું વૃક્ષ કેસરી રંગથી ઝગમગી ઉઠે, જાણે કે કોઈ સેલિબ્રિટી રેડ કાર્પેટ પર ઉતરી હોય!
ભાષા-ભાષામાં કેસુડાની ‘ડિગ્રીઓ’ અલગ અલગ છે.આ ડોન આખી દુનિયામાં ફર્યો છે અને એટલે જ દરેક ભાષામાં તેને અલગ-અલગ પદવીઓ મળી છે. હિન્દીમાં તે ‘પલાશ’ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં તો એને ‘બ્રહ્મવૃક્ષ’ કહે છે. અંગ્રેજોએ તેને ‘હ્લઙ્મટ્ઠદ્બી ર્ક ંરી ર્હ્લિીજં’ (જંગલની જ્વાળા) નામ આપીને તેનામાં એક પ્રકારનો હોલીવુડનો ‘એક્શન હીરો’ વાળો ટશન ઉમેરી દીધો છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં તેને મ્ેંટ્ઠ ર્દ્બર્હજpીદ્બિટ્ઠ કહે છે, જે સાંભળીને એવું લાગે કે જાણે કોઈ સાયન્ટિફિક એવોર્ડ મળ્યો હોય!
આઠથી દસ ધોરણમાં અમે મંગલ ભારતી લોકશાળામાં ભણતા, ત્યારે કેસુડાની વ્યવસ્થા શાળા તરફથી જ કરવામાં આવતી. હોળીની રાત્રે જ મોટા-મોટા તપેલા જેવા વાસણોમાં કેસુડો પલાળી દેવામાં આવતો. બીજે દિવસે હોળી-ધુળેટી રમવાની જે મજા હતી, તે અત્યારના કેમિકલયુક્ત રંગોમાં ક્યાં? હિન્દી ફિલ્મોમાં તો ‘હોલી હે ભાઈ હોલી’ કહેવાય, પણ અમારા માટે હોળી એટલે સાચી હોળી સળગાવવાનો દિવસ અને બીજા દિવસે રમવાની ધુળેટી.
આખું વર્ષ આચાર્ય નેમુભાઈ આંબલિયા અને સુભાષ જેઠવા, મુકેશ દવે જેરામભાઈ, દામજીભાઈ, બોઘાભાઈ વગેરે શિક્ષકો અમને ઠપકા અને સૂચનાઓથી ‘ધમરોળી’ નાખતા, પણ ધુળેટીના દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સમાન હોદ્દાના બની જતા. આ એક દિવસનો ફાયદો ઉઠાવીને અમે શિક્ષકોને પકડી-પકડીને રંગ છાંટતા. અમે શિક્ષકોને એવી રીતે પકડતા કે જાણે કોઈ ખતરનાક આરોપીને પોલીસ પકડતી હોય! રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને ફટકારે, એમ અમે શિક્ષકોને રંગોથી ફટકારતા. રંગ છાંટતી વખતે પકડવા માટેના પ્રયત્નોમાં ક્યારેક નાના-નાના ઢીકા પણ મારી લેતા જેથી આખા વર્ષનો ‘ગુરુ-બદલો’ લઘુ સમયમાં લેવાઇ જાય! અને કમાલ તો જુઓ, એ શિક્ષકોને પણ મજા પડતી. તેઓ એવો પ્રતિભાવ આપતા કે અમને પણ એમ લાગે કે આજે તો જંગ જીતી લીધી! પછી બધા સાથે મળીને બાજુના દરિયામાં નાહવા જતા. દરિયામાં નાહતા નાહતા પણ અમે શિક્ષકોને ધમરોલી નાખતા અને ઢીકા-ઢીકી પણ મારી લેતા તો એમને મજા પડતી. એ દિવસ પછી શાળામાં જે ‘શિસ્તનો સંન્નાટો’ છવાઈ જતો, એ પણ એક અલગ જ લિજ્જત હતી!
કેસુડો માત્ર રમવા માટેનું સાધન નથી, એ તો આખા ઘરનો ‘ફ્રી મેડિકલ સ્ટોર’ છે. ઉનાળામાં બાળકોને ગરમીથી ફોડલીઓ થાય ત્યારે મમ્મી સમાજ કેસુડાના ફૂલ પલાળીને જે ‘કેસરી કેમિકલ’ બનાવે છે, એ સાક્ષાત્ અમૃત છે. જાણે કુદરતે બાળક માટે ‘નેચરલ એન્ટિ-બેક્ટેરિયલ ડેટોલ’ તૈયાર રાખ્યું હોય! એના ગુંદરની વાત તો ન પૂછો કમરના દુખાવા માટે કોઈ મોંઘી દવા કરતા ઓછું નથી. ટૂંકમાં, કમર પકડીને ચાલતા માણસને આ કેસુડાનો ગુંદર સીધો કરી નાખે એવી તાકાત ધરાવે છે.
ખરી મજા તો મારા બગીચાની ‘ડોગ-સ્ક્વોડ’ (મુમુ મેડમ અને ટુકુટુકૂ) સાથેના એના સંબંધમાં છે. આ લોકો આખા ઉનાળામાં આ વૃક્ષના થડ પાસે ખાડો ગાળીને જે આરામ કરે છે, એ જોઈને થાય કે એ લોકો વૃક્ષની સેવા કરે છે કે એના પાસેથી ‘કૂલિંગ સર્વિસ’ લે છે!? એ ખાડા બૂરવા માટે હું તેમાં રાખ ભેળવીને ખાતર બનાવું છું. એકદમ ઈકો-ફ્રેન્ડલી ‘જુગાડ’!
કેસુડો સાહિત્યમાં પણ એટલો જ પ્રભાવશાળી છે. કવિ ઉમાશંકર જોશીએ પ્રકૃતિના જે આલેખન કર્યા છે, તેમાં કેસુડો એક જીવંત પાત્ર છે. સાહિત્યકારોએ તેને ‘પ્રકૃતિના આંસુ’ કહ્યા છે, પણ મને તો એ ‘રંગબેરંગી હાસ્ય’ લાગે છે. અમિતાભ બચ્ચનની ‘સિલસિલા’નું ‘રંગ બરસે’ ગીત હોળીનું ઓલ-ટાઈમ હિટ ગીત છે. ભલે તેમાં ગુલાલ દેખાય, પણ એની પાછળની મૂળ પ્રેરણા તો કેસુડો જ છે. જૂની ફિલ્મોમાં પ્રેમી-પ્રેમિકાના મિલન કે વિરહમાં કેસુડાનું ઝાડ હંમેશા સાક્ષી બનીને ઊભું હોય છે. એ રોમાન્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે!
મારા બગીચાનો આ ડોન પોતાની મરજીનો માલિક છે. કોઈની શિફારિશ નથી કરતો. તે નિર્ણય લે છે અને આખા બગીચાને કેસરી કરી દે છે. તમારી પાસે જગ્યા હોય તો એક કેસુડો જરૂર રોપજો. તેની હાજરીથી તમારો આખો બગીચો રાજાશાહી ઠાઠ અનુભવશે. તેને પાણી આપવાની ઝંઝટ ન રાખતા, બસ તમારા દિલમાં થોડી જગ્યા આપજો, તે પોતે જ પોતાનું સામ્રાજ્ય જમાવી લેશે!
naranbaraiya277@gmail.com







































