ગુજરાતમાં જામી રહેલા ચોમાસાની સાથે જ રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ગાંધીનગરની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા સંત સરોવરમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડેમના ૧૦ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમની સલામતી અને જળસપાટી નિયંત્રિત કરવા માટે નદીના પટમાં પાણી છોડવામાં આવતાં જ ગાંધીનગર જિલ્લાના નીચાણવાળા ૨૧ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સંત સરોવરમાં હાલ ૧,૩૮૦ ક્્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ આવકની સામે જળસપાટી જાળવી રાખવા માટે ડેમના ૧૦ દરવાજા ખોલીને તેટલું જ એટલે કે ૧,૩૮૦ ક્્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલમાં સંત સરોવરની વોટર લેવલ સપાટી ૫૦.૭૦ મીટર પર પહોંચી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જા ઉપરવાસમાં વરસાદનું જાર વધશે, તો આગામી કલાકોમાં પાણીની આવક સાથે નદીમાં પાણી છોડવાની માત્રામાં પણ ધરખમ વધારો થઈ શકે છે.
સંત સરોવરમાંથી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સાબરમતીના પટમાં જળસ્તર ભયજનક રીતે વધ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ૨૧ જેટલા નીચાણવાળા ગામો અને તમામ ગ્રામ પંચાયતોને સાવચેત કરી દેવાયા છે. સ્થાનિક રહીશોને નદીના પટમાં ન ઉતરવા તથા પશુપાલકોને પોતાના ઢોર-ઢાંખર નદી કિનારે ન લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
કોઈપણ અણબનાવ કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ દ્વારા નદીકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં ૨૪ કલાક સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહીને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે