ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના નીચે બૌદ્ધ ગુફાઓ અને અવશેષો હોવાનો દાવો કરતી પુનર્યાચિકાને (ફરીથી દાખલ કરેલી અરજી) હાઈકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ કોર્ટે આ મામલે અરજદાર પર બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, છતાં વરિષ્ઠ વકીલ દ્વારા ફરીથી સુનાવણીની માંગ કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે નકારી કાઢી છે.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી. એન. આર. ની ખંડપીઠ સમક્ષ કોંગ્રેસ નેતા તથા વરિષ્ઠ વકીલ રત્ના વોરાએ પુનર્યાચિકા દાખલ કરી હતી. અરજદાર દ્વારા દાવો કરાયો હતો કે વર્ષ ૨૦૧૭ માં આઇઆઇટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફા અને અવશેષો હોવાની વાત સામે આવી છે. આરટીઆઈ હેઠળ માહિતી માંગવા છતાં સોમનાથ ટ્રસ્ટની સંપત્તિ હોવાનું જણાવી માહિતી ન અપાયાનું કોર્ટમાં કહેવામાં આવ્યું હતું. હાઈકોર્ટે મીડિયા રિપોર્ટ્‌સના આધારે કરવામાં આવેલા આ દાવાને ફગાવી દીધો અને અરજદાર પાસે નક્કર દસ્તાવેજાની માંગણી કરી હતી.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈપણ નક્કર આધાર વગર આ પ્રકારના સંવેદનશીલ અને કાલ્પનિક મુદ્દાઓ પર ન્યાયિક હસ્તક્ષેપ કરવો બિલકુલ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશે આ કેસ લડવાના હોવાની દલીલને પણ ખંડપીથે ફગાવી દીધી હતી.
આ અગાઉ ડા. વિલાસ તુકારામ ખરાત દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળ અરજીને જૂન ૨૦૨૬માં ફગાવતી વખતે હાઈકોર્ટે તેને ગેરમાર્ગે દોરનારી ગણાવીને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે જ મામલામાં બાદમાં એડવોકેટ વોરાએ પુનર્યાચિકા દાખલ કરી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા પબ્લિસિટી મેળવવાનો ઇરાદો હોવાનું જણાવીને સખત વિરોધ કરવામાં આવ્યો હતો.