આજના આધુનિક યુગમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તેની સાથે બાળસુરક્ષા પ્રત્યેની નાની સરખી બેદરકારી પણ કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો વડોદરા શહેરથી સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં રમતા રમતા ૯મા માળેથી નીચે પટકાતાં ૨ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિબળ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ‘શિવાલય હાઈટ્‌સ’ નામના હાઈરાઈઝ બિલ્ડિંગમાં મૌર્ય પરિવાર રહે છે. પરિવારનો લાડકવાયો અને એકનો એક ૨ વર્ષનો માસૂમ પુત્ર અંશ પોતાના ફ્લેટ બહાર ૯મા માળે સીડીઓ પાસે રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક તે સીડીઓ પાસે આવેલા ખુલ્લા ભાગ (ઓપન સ્પેસ/ગેપ) સુધી પહોંચી ગયો હતો. પરિવારના સભ્યોની નજર માત્ર થોડી ક્ષણો માટે જ હટી હતી અને આ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. બાળક સીડીના એ ખુલ્લા ભાગમાંથી સીધો ૯મા માળેથી નીચે પટકાયો હતો.
બાળક નીચે પટકાતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા માસૂમ અંશને તાત્કાલિક સારવાર અર્થે નજીકની જીએમઇઆરએસ ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાકે, ૯મા માળેથી નીચે પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક વ્હાલસોયા પુત્રના અણધાર્યા આકસ્મિક મૃત્યુથી મૌર્ય પરિવારમાં આભ તૂટી પડ્યું છે અને સ્વજનોના ક્રંદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરુણ ઘટના હાઈરાઈઝ બિલ્ડિંગો તેમજ એપાર્ટમેન્ટ્‌સમાં રહેતા તમામ વાલીઓ માટે એક મોટી લાલબત્તી (ચેતવણી) સમાન છે. નાના બાળકો ઘરમાં કે ગેલેરી-સીડીઓ પાસે રમતા હોય ત્યારે તેમના પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. ઉપરાંત, બિલ્ડિંગના ગ્રીલ વગરના ખુલ્લા ભાગો, સેફ્ટી નેટ વિનાની બાલ્કનીઓ કે સીડીઓના ખુલ્લા ગેપ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, જેથી આવી જગ્યાઓ સુરક્ષિત કરવી અનિવાર્ય છે.