વિદેશ જવાની ઇચ્છા ધરાવતા યુવક સાથે કથિત વિઝા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-૨૪ના હરસિદ્ધનગરમાં રહેતા અને સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ બાબુભાઈ નાયી પાસેથી લંડનની વર્ક પરમિટ અપાવવાના નામે લાખો રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. લાંબા સમય બાદ પણ વિઝા ન મળતાં અને રકમ પરત ન મળતાં યુવક આર્થિક મુશ્કેલીમાં ફસાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
આ મામલે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે સેક્ટર-૨૧ પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાહુલ નાયીનો આશરે અઢીથી ત્રણ વર્ષ પહેલાં વિઝા સંબંધિત કામ કરતા મેહુલ રાજેશભાઈ સોની સાથે સંપર્ક થયો હતો. મેહુલે રાહુલને લંડનની વર્ક પરમિટ અપાવી વિદેશ મોકલવાની ખાતરી આપી હોવાનો આક્ષેપ છે.વિદેશ જવાની આશામાં રાહુલે અલગ-અલગ રીતે રકમ એકત્ર કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે હાથ ઉછીના લીધા તેમજ ઘર ગિરવે મૂકીને કુલ આશરે ૨૪.૨૫ લાખ ચૂકવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાહુલને આશા હતી કે વર્ક પરમિટ મળ્યા બાદ તે લંડન જઈને નોકરી કરી શકશે. જાકે, લાંબો સમય પસાર થયા બાદ પણ વિઝા કે વર્ક પરમિટ મળ્યા ન હોવાનું જણાવાયું છે.બીજી તરફ, પૈસા પરત મેળવવા માટે રાહુલ દ્વારા વિઝા એજન્ટનો સંપર્ક કરવામાં આવતો હતો. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, એજન્ટ તરફથી રકમનો એક ભાગ પરત કરવામાં આવ્યો હતો, પરંતુ બાકીની રકમ પરત ન મળતાં રાહુલ આર્થિક મુશ્કેલીમાં ફસાતો ગયો.રાહુલે વિદેશ જવાની આશામાં લીધેલી રકમ માટે લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. વિઝા ન મળતા પણ લોનના હપ્તા ભરવાની જવાબદારી યથાવત રહી હતી. બાકીની રકમ પરત ન મળતાં દેવું અને વ્યાજનું ભારણ વધતું ગયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. આર્થિક સંકટથી કંટાળીને રાહુલે ૮ ઓગસ્ટે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે.હાલ તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
આપઘાતના પ્રયાસ પહેલાં રાહુલે એક સુસાઇડ નોટ લખી હોવાનું પરિવારજનોને મળી આવ્યું છે. આ નોટમાં તેણે પોતાની આર્થિક પરિસ્થિતિ અને વિદેશ મોકલવાના નામે પૈસા લેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવાયું છે.નોટમાં મેહુલ રાજેશભાઈ સોની ઉપરાંત જીનલ પંચાલ અને નિધી સોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો પરિવારનો દાવો છે. રાહુલે પોતાની પાસેથી ૨૪.૨૫ લાખ લેવામાં આવ્યા અને ત્યારબાદ રકમ પરત ન મળતા લોન તથા વ્યાજનું ભારણ વધ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે.સુસાઇડ નોટમાં જણાવાયેલી બાબતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થવાની બાકી છે.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ સેક્ટર-૨૧ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવકની સ્થિતિ, પરિવારજનોના નિવેદન, સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો તથા પૈસાની લેવડદેવડ સંબંધિત દસ્તાવેજાની તપાસ હાથ ધરી છે.વિઝા એજન્ટ અને અન્ય નામજાગ વ્યક્તિઓ સામે કરવામાં આવેલા આક્ષેપોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થશે.રાહુલ પોતાના પરિવારનું ગુજરાન સલૂન ચલાવીને કરતો હતો. પરિવારમાં પત્ની અને બે નાના સંતાનો હોવાનું જણાવાયું છે.