મોરબીના રણછોડનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ફરી એકવાર ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદી પાણીથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બનતાં અને વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. આ વિરોધમાં કોર્પોરેટર પણ સ્થાનિકો સાથે રસ્તા પર ઉતર્યા હતા.રણછોડનગર વિસ્તારમાં વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવ અને પાણીમાં ફેરવાઈ જતા લોકોનું દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે.તાજેતરના વરસાદ બાદ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ જ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપવામાં આવ્યા હતા. જાકે આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી શરૂ ન થતાં લોકો ફરી રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે.આંદોલનની વિશેષ વાત એ રહી કે સ્થાનિક કોર્પોરેટર પણ લોકોની સાથે ચક્કાજામમાં જાડાયા હતા. અગાઉ પણ વિસ્તારની સમસ્યાઓને લઈને કોર્પોરેટરે રાજીનામું આપ્યું હોવાનું સ્થાનિકોએ યાદ અપાવ્યું હતું. હવે લોકોએ તંત્રને તાત્કાલિક રસ્તા, ડ્રેનેજ અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે, નહીં તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.





































