અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગર ૩૬ હજારની લાંચ લેતા ઝડપાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એક મહત્વપૂર્ણ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી ૩૬ હજારની લાંચ સ્વીકારતા એક વ્યક્તિને રંગેહાથે ઝડપી પાડ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને એક પ્રજાજનની સંડોવણી સામે લાવી છે.
મળતી માહિતી મુજબ, ફાયર સેફટી ઓફિસર તરીકે કામગીરી કરતા અને અમદાવાદ શહેરની વિવિધ ઇમારતોમાં ફાયર સેફટી સંબંધિત સેવાઓ પૂરી પાડતા એક વ્યક્તિએ શહેરની ૬ અલગ-અલગ બિલ્ડિંગોની ફાયર એનઓસી ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ પર મંજૂરી માટે મોકલી હતી. તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે કે, આ એનઓસી મંજૂર કરવા માટે ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે પ્રતિ એનઓસી ૬ હજાર લેખે કુલ ૩૬ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
આ અંગે એક જાગૃત નાગરિકે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પ્રાથમિક ચકાસણી બાદ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન એસીબીની ટીમે આરોપી ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાએ મેમનગર વિસ્તારમાં યશ એકવા કોમ્પ્લેક્સ નજીક વિજય ચાર રસ્તા પાસે ફરિયાદી પાસેથી ૩૬ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં આ મામલે તપાસ દરમિયાન આરોપી ભાવસિંહ ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરે સાથે ફોન પર હેતુલક્ષી વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે.
એસીબીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં લાંચની રકમ અંગે ડોંગરેની સંમતિ અને સંડોવણી હોવાનું ફલિત થતાં બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને લાંચની માંગણી તથા મંજૂરી પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે થયેલી આ કાર્યવાહીથી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.










































