અમરેલી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલયના સહયોગથી “નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાઓને સંબોધન કરી નશામુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં કોઠારી સંત પૂ. સાધુચરિત સ્વામી, શિક્ષણ મંત્રી પ્રધ્યુમનભાઈ વાજા તથા ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિ રહી હતી. “ચલો તોડ દે યે બંધન” વિડિયો શોના માધ્યમથી વ્યસનમુક્તિનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સાધુચરિત સ્વામીએ વ્યસન છોડીને સમાજસેવામાં જોડાવા અપીલ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ BAPS સંસ્થાના વ્યસનમુક્તિ અભિયાનની પ્રશંસા કરી અને યુવાનોને નશાથી દૂર રહી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આશરે ૩૦૦ યુવક-યુવતીઓએ MyBharat પોર્ટલ પર ઇ-પ્રતિજ્ઞા લઈ નશામુક્ત રહેવાનો સંકલ્પ કર્યો અને ઇ-સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા.