ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ નજીક દરિયામાં ડૂબી જવાની દુર્ઘટનામાં લાપતા બનેલા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક માછીમારો, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી સતત ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન બાદ એક કિશોરનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જ્યારે બીજા કિશોરનો મૃતદેહ આજે વહેલી સવારે દરિયામાંથી મળી આવ્યો હતો. બંનેના મૃતદેહ મળતા છારા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મળતી માહિતી મુજબ, કોડીનારના છારા ગામના પાંચ કિશોરો દરિયા કિનારે ફરવા ગયા હતા. દરમિયાન કેટલાક કિશોરો દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા. અચાનક દરિયાના ઊંડા પાણી અને જારદાર પ્રવાહમાં તેઓ સપડાઈ ગયા હતા. મિત્રોને બચાવવા અન્ય કિશોરો પણ દરિયામાં ઝંપલાવતાં પાંચેય કિશોરો જાખમમાં મુકાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર સ્થાનિક માછીમારોએ સમય ગુમાવ્યા વગર બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ત્રણ કિશોરોને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જાકે ૧૬ વર્ષીય નિર્મળ હમીરભાઈ ચુડાસમા અને ૧૬ વર્ષીય ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા દરિયાના જારદાર પ્રવાહમાં તણાઈ જતાં લાપતા બન્યા હતા.લાપતા બંને કિશોરોની શોધ માટે સ્થાનિક માછીમારો, પોલીસ, વહીવટી તંત્ર તેમજ અન્ય બચાવ ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાના વિશાળ વિસ્તારમાં અસરકારક શોધખોળ માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાંબી શોધખોળ બાદ ગઈકાલે મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આજે વહેલી સવારે બીજા કિશોરનો મૃતદેહ પણ મળી આવતા સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઘટનાના પગલે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, બે યુવાન વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનથી છારા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું છે.વરસાદી મોસમ દરમિયાન દરિયામાં જારદાર કરંટ અને અચાનક ઊંડાણના કારણે જાખમ વધી જતું હોય છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે સાવચેતી રાખવા અને જાખમી સ્થળોએ દરિયામાં ન ઉતરવાની અપીલ પણ કરવામાં આવી છે.