બાબરામાં ભાવનગર-રાજકોટ હાઇવે પરથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને રૂ.૧૩.૬૧ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. બાબરા પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગર તરફથી એક ક્રીમ કલરના ટાટા કંપનીના ૪૦૭ વાહન (રજી.નં. GJ ૦૧ CY ૧૦૯૯) માં ઇંગ્લીશ દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ભાવનગર-રાજકોટ હાઇવે પર મારુતિ હોટલ પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમીવાળું વાહન નીકળતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ વાહનચાલકે વાહન ઊભું રાખ્યું ન હતું. પોલીસે ફોર વ્હીલ કાર દ્વારા પીછો કરતાં આગળ જઈને ભાવનગર-રાજકોટ હાઇવે પર બંધ હાલતમાં રહેલા પંપ સામે રોડ પર ચાલક વાહન ઊભું રાખી, નીચે ઉતરી અંધારાનો લાભ લઈ ખેતરમાં નાસી ગયો હતો.પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૫૧ પેટીઓ (૬૨૮૮ નંગ બોટલ) મળી આવી હતી. પોલીસે રૂ.૯.૬૧ લાખની કિંમતનો દારૂ અને રૂ.૪ લાખનું ટાટા ૪૦૭ વાહન (રજી.નં. GJ ૦૧ CY ૧૦૯૯) મળી કુલ રૂ.૧૩,૬૧,૯૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર ચાલક વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.