ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત રાજુલા તાલુકાની વિક્ટર ૧૦૮ એમ્બ્યુલન્સને ૩૦ જૂને મધરાતે પટવા ગામેથી સગર્ભાનો કેસ મળ્યો હતો. ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી મહિલાને હોસ્પિટલ લઈ જતી હતી ત્યારે રસ્તામાં જ પ્રસૂતિની સ્થિતિ સર્જાતા એમ્બ્યુલન્સમાં જ સફળ  ડિલિવરી કરાવી હતી. બાળકના ગળામાં ગર્ભનાળની બે આંટી હોવાથી ઇએમટી ગૌતમભાઈ કાતરીયા અને પાઇલોટ ભરતભાઈ ધુંધળવાએ કુશળતા પૂર્વક સારવાર આપી માતા અને નવજાતને સુરક્ષિત રાખ્યા હતા. બાદમાં બંનેને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારજનોએ ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.