શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને કાનૂન વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. કબરસ્તાન પાછળથી એક વૃદ્ધની ગળે છરીના ઘા ઝીંકેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, પૈસાની લેતીદેતી મુદ્દે માનેલા ભાઈ હુસેન ઇસ્માઇલ સંધિએ એ જ ભાઈ ચંદ્રસિંહની હત્યા કરી હતી. ઘટના અંગે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલી સુભાષપરા-૧ ગલીમાં પારસીના કબરસ્તાન પાછળ મોડી રાત્રે એક પ્રૌઢનો લોહીલુહાણ મૃતદેહ હોવાની જાણ થતાં સીટી સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજા મેળવી તપાસ શરૂ કરતા મૃતકની ઓળખ ચંદ્રસિંહ મેરુજી રાઠોડ તરીકે થઈ હતી. મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ છરીના ઊંડા ઘા મારેલા હોવાથી હત્યાનો જ મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસની વિગતવાર પૂછપરછ અને તપાસમાં હત્યા પાછળનું કારણ નાણાકીય લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. આરોપી હુસેન ઇસ્માઇલ સંધિ નામના શખ્સે મૃતક ચંદ્રસિંહ પાસેથી કેટલાક પૈસા હાથ ઉછીના લીધા હતા. બનાવની રાત્રે ચંદ્રસિંહે પોતાના નાણાં પરત માગતા હુસેન ઉશ્કેરાઈ ગયો હતો. ઉઘરાણીના પૈસા આપવાને બદલે આવેશમાં આવીને હુસેને પોતાની પાસે રહેલી છરી વડે ચંદ્રસિંહના ગળા પર તાબડતોડ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે મૃતકના પત્ની લક્ષ્મીબેન ચૌહાણે સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હુસેન ઇસ્માઇલ સંધિ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપી હુસેન ફરિયાદી લક્ષ્મીબેનને પોતાના ભાભી માનતો હતો અને બંને પરિવાર વચ્ચે ગાઢ સંબંધો હતા. પોતાના જ માનેલા દિયરે પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ પોલીસે લક્ષ્મીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર આરોપી હુસેનને પકડી પાડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ તેજ કરી છે.









































