મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક પહાડી પરથી ૧૮ વર્ષના કુણાલ અને તેના માતા પિતાના દર્દનાક મોતના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે કુણાલે માતા પિતાની જાણ બહાર આઈફોન તો ખરીદી લીધો હતો પરંતુ તેના ઈએમઆઈ ચૂકવવા માટે તેણે પરિવાર પાસેથી પૈસા માંગવા પડતા હતા. એટલે કે પહાડ પરથી મોતની ત્રિપલ મોતની કરૂણાંતિકાનું અસલ કારણ સામે આવ્યું છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ૧૮ વર્ષનો યુવા કુણાલ આઈફોન ખરીદવા માટે માતા પિતા પર દબાણ કરી રહ્યો હતો. આથી તે આત્મહત્યા કરવાના ઈરાદે પહાડી પર પહોંચ્યો હતો. તેને રોકવા માટે પિતાએ તેને પાછળ ખેચવાની કોશિશ કરી પરંતુ બંને નીચે પડ્યા અને મોત નિપજ્યા. માતા પણ તેમની પાછળ નીચે પડી. ગામના પૂર્વ સરપંચે આઈફોન લેવાની જીદને આ ઘટનાક્રમનું કારણ ગણાવ્યું હતું.
આ ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. તિસગાંવના ખવડ્યા પહાડથી કૂદવા જઈ રહેલા પોતાના કાળજાના ટુકડાંને રોકવા માટે માતા પિતાએ દરેક પ્રયત્નો કર્યા પરંતુ જ્યારે પુત્ર જ ન રહ્યો તો પોતે પણ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. બાળકની જીદ કઈ રીતે એક પરિવાર માટે મોટી ત્રાસદી બની ગઈ. તેના વિશે જાણીને દેશના દરેક ટીનએજરના માતા પિતાનું કાળજું કંપાઈ જશે. ત્યારબાદ સરપંચે આઈફોન ખરીદવાની જીદને કુણાલની જીદનો હવાલો આપતા કહ્યું કે તેમને ખબર પડી હતી કે કુણાલ માતા પિતા સામે આઈફોન ખરીદવા માટે જીદ કરતો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો કે કુણાલે આઈફોન તો ખરીદી લીધો હતો. પરંતુ તેનો ઈએમઆઈ કેવી રીતે ભરવો તે તેને સમજમાં નહતું આવતું.
આઈફોનના ઈએમઆઈને લઈને શરૂ થયેલા ઝઘડા બાદ તે ઘરેથી જવા દેવાની વાત કરીને ઘરેથી નીકળ્યો હતો અને તેની પાછળ તેના માતા પિતા તેને રોકવા માટે ગુહાર લગાવતા રહ્યા. સીનિયર પોલીસ અધિકારી રામેશ્વર ગાડેએ જણાવ્યું કે પહાડી ૪૦૦-૫૦૦ ફૂટ ઊંચી હતી. એક ફોનના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો. પોલીસ અને ફાયર બ્રિગેડે તેમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહી. કુણાલના પિતા ડ્રાઈવર હતા.
કુણાલના પરિજનોની સાથે ગામના અન્ય લોકો પણ તેને સમજાવવા માટે તેની પાછળ પાછળ પહાડી પર પહોંચ્યા હતા. લગભગ ૩ કલાક સુધી તેને પાછા ફરવા માટે મનાવવાની કોશિશ થઈ. પતિ અને પુત્રને આંખો સામે પડતા જાઈ માતાએ પણ પહાડી પરથી છલાંગ લગાવી દીધી. આ મામલે હજુ પોલીસ તપાસ પૂરી થઈ નથી.
પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. ઘટના દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો અને પર્યટકો ત્યાં હાજર હતા. જેમણે આ દર્દનાક અને ખૌફનાક અકસ્માત પોતાના મોબાઈલમાં કેદ કર્યો. જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
તિસગાંવના પૂર્વ સરપંચ સંજય જાધવ પણ તેમને સમજાવવા માટે ત્યાં પહોંચેલા લોકોમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે લોકોએ કુણાલને સમજાવવાની દરેક શક્ય કોશિશ કરી અને તેને કહ્યું કે તે ભણેલો ગણેલો છે તથા તેની સામે આખી જિંદગી પડી છે.