અમરેલી જિલ્લામાં માર્ગ અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે અમરેલી તથા કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ ભગીરથ પ્રયાસોના પરિણામે રાજ્ય ધોરીમાર્ગ પૈકીના ચોકી,ખાખરીયા રોડના કીમી ૨૬/૦૦ થી ૩૮/૦૦ સુધીના માર્ગના રીસરફેસિંગ કામગીરી માટે રૂ.૧૦.૦૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ચોકી,ખાખરીયા માર્ગ કુંકાવાવ તાલુકાને વડિયા તથા જેતપુર તાલુકા સાથે જોડતો અત્યંત મહત્વપૂર્ણ રસ્તો છે. આ રીસરફેસિંગ કામગીરી પૂર્ણ થવાથી કુંકાવાવ-વડિયા, મોટા ઉજળા, અનિડા, સૂર્યાપ્રતાપગઢ અને ખાખરીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વાહનવ્યવહાર અને અવરજવરમાં નોંધપાત્ર સુવિધા મળશે. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર રસ્તા અને મજબૂત કનેક્ટિવિટી અનિવાર્ય છે. નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહેશે. આ તકે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.










































