લીલીયા મોટાની પટેલ વાડી ખાતે આગામી તા. ૧૦/૦૬/૨૦૨૬ના રોજ રાત્રે ૮.૦૦ કલાકે શ્રી ક્રિષ્ના ક્રેડિટ કો.ઓ. સોસાયટી લિ. અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ, મગફળી તથા કપાસની વૈજ્ઞાનિક ખેતી અને તેના રોગ-જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સાથે જ મહિલાઓ પગભર થઈ પૂરક રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી તા. ૧૦/૦૬/૨૦૨૬ થી તા. ૧૨/૦૬/૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ગૃહ ઉદ્યોગ તાલીમ વર્ગનું પણ આયોજન કરાયું છે. જેમાં હોમ સાયન્સ વિભાગ દ્વારા મહિલાઓને કેરી પાપડ, મેંગો ફ્રૂટી, પાઈનેપલ જામ, ચિલી સોસ, નાનખટાઈ, ડોનટ અને ચોકલેટ કેક જેવી વિવિધ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અરૂણભાઈ પટેલ અને ઉદ્‌ઘાટન ભાવનાબેન ગોંડલીયાના હસ્તે થશે. સોસાયટીના ચેરમેન નીતિનભાઈ ત્રિવેદી તથા તમામ હોદ્દેદારોએ લીલીયા તાલુકાના વધુમાં વધુ લોકોને આ તકનો લાભ લેવા હાર્દિક અપીલ કરી છે.