જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કમિગઢ ખાતે અંદાજે રૂ. ૧.૬૩ કરોડના ખર્ચે આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ વિકાસકાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હેઠળ આયોજિત આ પ્રોજેક્ટથી કમિગઢ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની પરિવહન સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. ચોમાસા દરમિયાન નદી-નાળાના પાણી ફરી વળવાથી ખોરવાતો વાહનવ્યવહાર હવે સુચારુ બનશે, જેનાથી વિદ્યાર્થીઓ અને ખેડૂતોને વિશેષ રાહત મળશે.આ પ્રસંગે તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજનું કામ ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.



































