અમરેલી નગરપાલિકા સંચાલિત ઈન્દિરા શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડામાં કોઈ પણ જાતનો વધારો ન કરવા તેમજ ઊંચી ટ્રાન્સફર ફીમાં ઘટાડો કરવા અંગે પ્રમુખ યોગેશકુમાર આર. કોટેચા દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, હાલ પ્રવર્તતી આર્થિક મંદીના કારણે વેપારીઓની સ્થિતિ કફોડી છે. તેથી તારીખ ૩૧/૦૭/૨૦૨૭ના રોજ ભાડામાં જે ફેરફાર થનાર છે, તેમાં હાલનું ભાડું યથાવત રાખી કોઈપણ વધારો ન કરવો જોઈએ. વધુમાં, તેઓ ૪૦ વર્ષ જૂના ભાડુઆત હોવાથી વેપારી પક્ષને સાંભળ્યા વગર કોઈ આખરી નિર્ણય ન લેવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત અસહ્ય ટ્રાન્સફર ફી ઘટાડવાની પણ માંગ કરાઈ છે. આ રજૂઆતની નકલ ઊર્જા-કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા પાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.