ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં આવેલી સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયા (SBI)ની શાખામાં ગોલ્ડ લોનનાં ઘરેણાં છોડાવવા મુદ્દે થયેલા વિવાદમાં એક યુવકે કુહાડી વડે ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં બેંકને અંદાજે રૂ. ૨.૩૦ લાખનું નુકસાન થયું હતું. હુમલામાં બેંક મેનેજર કુણાલ રાઠોડને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવિંદપુર ગામના શશીકાંત સતાસીયાએ SBI બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. તેમના અવસાન બાદ પુત્ર સિદ્ધાર્થ સતાસીયાએ લોનની રકમ ચૂકવી સોનાનાં ઘરેણાં પરત મેળવવા બેંકનો સંપર્ક કર્યો હતો. જોકે, બેંક મેનેજરે કાયદાકીય પ્રક્રિયા મુજબ તમામ વારસદારોની સહીઓ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આરોપીની બહેન ઓસ્ટ્રેલિયામાં રહેતી હોવાથી સહીઓના મુદ્દે વિવાદ ઊભો થયો હતો.આ મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ યુવક કુહાડી લઈને બેંકમાં ધસી આવ્યો હતો. તેણે મેનેજરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કુહાડી વડે ચેમ્બરના દરવાજા, કાચ, વોશરૂમના પેસેજનો કાચ અને મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, બે કમ્પ્યુટર સિસ્ટમને પણ તોડી નાખી હતી. ઘટનાને પગલે બેંકમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





































