રાજુલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય પથસંચલન અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવા ધ્વજ સાથે સંઘના સ્વયંસેવકોએ શિસ્તબધ્ધ રીતે કદમથી કદમ મિલાવી શહેરના મુખ્ય માર્ગો પર પથસંચલન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.પથસંચલનનો પ્રારંભ રાજુલા સ્થિત BAPS મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરયાત્રા ભોળાભાઈ લાતી માર્ગ, જીવાબાપુ ચોક, ફૂલવાળા ચોક, સાંઈબાબા મંદિર, હવેલી ચોક, મુખ્ય બજાર અને પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ ચોક થઈને T.J.B.S. ગર્લ્સ વિદ્યાલય ખાતે નગરયાત્રાનું સમાપન થયું હતું.નગરયાત્રા દરમિયાન સ્વયંસેવકો ભગવા ધ્વજ સાથે શિસ્તબધ્ધ રીતે આગળ વધ્યા હતા. શહેરના વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો પરથી પસાર થતી નગરયાત્રાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન રાજુલા પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આમ, રાજુલા શહેરમાં યોજાયેલા પથસંચલન અને નગરયાત્રાનું શિસ્તબધ્ધ વાતાવરણમાં સમાપન થયું હતું.