અમરેલીમાં લીલીયા રોડ પર દાદા ભગવાન મંદિર પાસે ફોર વ્હીલ ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં ટુ વ્હીલર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે લીલીયાના કુતાણા ગામે રહેતા પરશોત્તમભાઈ જીવાભાઈ રાઠોડ (ઉ.વ.૪૭)એ ફોર વ્હીલ નં. GJ-૨૨-A-૧૬૦૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્ત હિતેષભાઈ પરશોત્તમભાઈ રાઠોડ પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી અમરેલી આવી રહ્યો હતો. તે દરમિયાન લીલીયા રોડ પર ભારત પેટ્રોલપંપ તથા દાદા ભગવાન મંદિર પાસે સામેથી ફોર વ્હીલ રજી. નં. GJ-૨૨-A-૧૬૦૦ ના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી ટક્કર મારી હતી. જેમાં તેમના દીકરાને શરીરે, માથામાં તથા આંખ પાસે નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક વાહન મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કે.એસ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.