દિવાળીના તહેવાર પહેલાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને નાગરિકોને શુધ્ધ તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી રાજુલા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અક્ષર વ્યાસની આગેવાની હેઠળ સંયુક્ત ટીમે શહેરની ૧૫થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરી હતી.આ તપાસ દરમિયાન પ્રેસિડેન્ટ હોટલ સહિત શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાં પનીર સહિતની ખાદ્ય સામગ્રી અયોગ્ય જણાતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અક્ષર વ્યાસે પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.આ સંયુક્ત તપાસમાં ખાદ્ય સુરક્ષા નિરીક્ષક કે.જે. કળસરીયા, તોલમાપ અધિકારી આર.પી. ભરાડ, મામલતદાર હરેશ પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને સ્વચ્છતા જાળવવા તેમજ ગ્રાહકોને શુધ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક પીરસવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી ભેળસેળ કે અયોગ્ય સામગ્રીના ઉપયોગને રોકવા આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.વહીવટી તંત્રની અચાનક તપાસને પગલે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આવી તપાસ સતત ચાલુ રાખવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.






































