ધારીના યુવાન રવિ બન્નાએ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હોવા છતાં હિંમત હાર્યા વગર જીવનમાં સફળતા મેળવી છે. જીવનસંગિની અને મિત્રોના સહકારથી તેમણે આત્મવિશ્વાસ જાળવી રાખ્યો છે. એક પગે ગિરનાર પર્વત ચડીને તેમણે પોતાની હિંમત અને દૃઢ મનોબળનો પરિચય આપ્યો હતો. ગણેશ મહોત્સવ અને નવરાત્રીમાં આયોજક તરીકે સક્રિય રહેવા ઉપરાંત તેઓ એક પગે રાસ-ગરબા અને તલવારબાજી પણ કરે છે. બાળપણથી ક્રિકેટનો શોખ ધરાવતા રવિએ અકસ્માત બાદ વ્હીલચેર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમણે ગુજરાતની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ઓડિશામાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમે વિજય મેળવ્યો હતો, જેમાં રવિએ સૌથી વધુ રન ફટકારી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.



































