શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. મકાનના બીજા માળે આવેલા ધાબા પર મોબાઈલ ફોનથી વાત કરી રહેલા ૪૨ વર્ષીય પ્રફુલ પટેલનું નીચે પટકાવાને કારણે મોત નીપજ્યું છે. ધાબાની પાળી નજીક પહોંચ્યા હોવાનો ખ્યાલ ન રહેતાં તેઓ સંતુલન ગુમાવી નીચે પટકાયા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રફુલ પટેલ મકાનના બીજા માળે આવેલા ધાબા પર મોબાઈલ ફોન પર વાતચીત કરી રહ્યા હતા. વાતચીતમાં મગ્ન હોવાને કારણે તેઓ ધાબાની પાળી નજીક પહોંચી ગયા હોવાનો અંદાજ રહ્યો નહોતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં તેઓ નીચે પટકાયા હતા. ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી પ્રફુલ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જાકે, તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ૪૨ વર્ષીય પ્રફુલ પટેલના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સામાન્ય રીતે મોબાઈલ પર વાતચીત કરતી વખતે બનેલી આ દુર્ઘટનાએ પરિવારજનોને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધા છે. બીજી તરફ, આ બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાની પરિસ્થિતિ અને અકસ્માતના સંજાગો અંગે તપાસ કરવામાં આવી રહી છે.